Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર કાનપરા પાટીયા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે દોડતી આઈસર ટ્રકે પદયાત્રીઓને ઠોકરે ચડાવતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે 8 જેટલા પદયાત્રીઓ ગંભીર ઘાયલ થયા છે.
આણંદથી દ્વારકાધીશના દર્શન કરવા જતા સંઘમાં બેકાબુ આઈસર ઘુસી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આણંદ જિલ્લામાંથી 65થી વધુ પદયાત્રીઓ સાથેનો સંઘ પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યો હતો. આજે સંઘ લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા કાનપરા પાટીયા નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા આઈસર ટ્રકના ચાલકે સ્ટયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેબાદ બેકાબુ બનેલ ટ્રક પગપાળા જતાં સંઘમાં ઘુસી ગઈ હતી અને અનેક પદયાત્રીઓને અડફેટે લેતા અફરાતફરી મચી જવા પામી હતી.
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ અકસ્માતમાં એક પદયાત્રીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 8 જેટલા પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ આઈસરનો ડ્રાઈવર પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને CCTV ફૂટેજના આધારે ફરાર ડ્રાઈવરની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
