Surat Road Accident: સુરત શહેરમાં ભારે વાહનોનો ત્રાસ અને બેફામ ડ્રાઇવિંગ દિન-પ્રતિદિન નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે, જેનું વધુ એક કરૂણ ઉદાહરણ આજે અબ્રામા-ગોપીન ગામ રોડ પર જોવા મળ્યું હતું. પૂરપાટ ઝડપે દોડતા એક ડમ્પરે મોપેડને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલકે વાહન થોભાવવાને બદલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં મોપેડ ડમ્પર નીચે ફસાઈને લાંબા અંતર સુધી રસ્તા પર ઢસડાયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં મોપેડ પર સવાર વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અબ્રામા ચોક અને ગોપીન ગામ રોડ પરથી મોપેડ પર ત્રણ લોકો સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, મોપેડ ડમ્પરના આગળના ભાગે ફસાઈ ગયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલકે વાહન દોડાવી મૂક્યું હતું અને મોપેડને રસ્તા પર ઢસડી ગયો હતો. જેના કારણે રસ્તા પર તણખા ઝરવા લાગ્યા હતા.
આ ભયાનક અકસ્માતમાં વૃદ્ધા ગંભીર રીતે કચડાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.
ઘટના બાદ અકસ્માત સર્જીને નાસી રહેલા ડમ્પર ચાલકને પકડવા માટે પાછળ આવી રહેલા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક યુવાનોએ બાઇકથી પીછો કરીને ડમ્પરને આંતરી લીધું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ ચાલકને ઝડપી પાડીને મેથીપાક ચખાડ્યા બાદ પોલીસના હવાલે કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ડમ્પર તથા મોપેડને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
