Surat: સુરતમાં બંને હાથ-પગ કપાયેલી હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, મોતનું કારણ અકબંધ

Surat News: સુરત શહેર નજીક કોસાડ અને ગોથાણ રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે એક અજાણી મહિલાનો અત્યંત ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 03:50 PM (IST)Updated: Mon, 23 Nov 2026 03:50 PM (IST)
woman-dead-body-found-between-railway-tracks-in-surat
પ્રતિકાત્મક તસવીર

Surat News: સુરત શહેર નજીક કોસાડ અને ગોથાણ રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે એક અજાણી મહિલાનો અત્યંત ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંદાજે 40 વર્ષની મહિલાના બંને હાથ અને બંને પગ કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી હતી. મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

મહિલાના બંને હાથ તથા બંને પગ કપાયેલી સ્થિતિમાં હતા

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં કોસાડ અને ગોથાણ રેલવે સ્ટેશન વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ રેલવે તંત્રને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન આશરે 40 વર્ષીય મહિલાનો મૃતદેહ બે રેલવે ટ્રેકની બરાબર વચ્ચે મળી આવ્યો હતો. મૃતદેહની હાલત અત્યંત ગંભીર હતી અને મહિલાના બંને હાથ તથા બંને પગ કપાયેલી સ્થિતિમાં હતા. આ દૃશ્ય જોઈ ઘટનાસ્થળે હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

મહિલાની ઓળખ કરવા પોલીસે ચક્રગતિમાન કર્યા

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી અને પંચનામું પૂર્ણ કર્યા બાદ મૃતદેહનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક મહિલા કોણ છે, ક્યાંની રહેવાસી છે તે અંગે હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. મહિલાના પરિવારજનો અને વાલી-વારસોની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલાના મોતને લઈને સર્જાયા અનેક તર્ક-વિતર્કો

મહિલાનું મોત ચાલુ ટ્રેનની અડફેટે આવી જવાથી થયેલા અકસ્માતમાં થયું છે કે પછી આ ઘટનાની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને બે રેલવે ટ્રેકની વચ્ચે મહિલાનો મૃતદેહ બંને હાથ અને પગ કપાયેલી હાલતમાં મળી આવતાં ઘટનાને લઈને વિવિધ તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જોકે, મહિલાના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ રેલવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.