Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢનાં સારસાણા ગામની સીમમાં ખેતરના ઝૂંપડામાં પ્રેમ સંબંધમાં હથિયારો સાથે આરોપીઓ એ હુમલો કરી ખૂની ખેલ ખેલતા પ્રેમાંધ પુત્ર સાથે પિતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભાગી છૂટ્યા હતા. આ ખૂની હુમલામાં ઘવાયેલા મહિલાનું મોત નિપજતા બનાવ ત્રિપલ મર્ડરમાં પરિણ્મયો છે. તેમજ હાલ મૃતકના પરિવારજનોએ મહિલાનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાયલાના નિનામા ગામના વતની બજાણીયા ઘુઘાભાઇ દાનાભાઇ છેલ્લા ઘણા સમયથી થાનગઢ નજીકનાં સીમ વિસ્તારમાં પરિવારજનો સાથે રહેતા હતા અને ત્યાં વાડી ભાગીયુ રાખી ખેતીકામ કરતા હતા કરી ત્યાંજ રહેતા હતા. તેમનાં પુત્ર ભાવેશને નજીકના વર્માધાર ગામની સંગીતા નામની યુવતી સાથે ચારેક વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો.
જો કે સંગીતાના 6 માસ અગાઉ મનડાસર ગામના દિનેશ મનજીભાઇ સાપરા સાથે લગ્ન થઈ ગયા હતા. જો કે તેનો પતિ ચારિત્રની શંકા રાખતો હોવાથી બંન્ને વચ્ચે ખટરાગ રહેતા પાંચેક માસ પહેલા સંગીતા તેના પતિને છોડીને પ્રેમી ભાવેશ સાથે મૈત્રી કરાર કરીને તેની સાથે પત્ની તરીકે ચોટીલાનાં સુરૈઇ ગામે રહેતી હતી.
હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી બંન્ને થાનગઢનાં સીમ વિસ્તારમાં તેના પિતાની ભાગીયુ વાડીએ આવ્યા હતા. જ્યાં ગઈકાલે રાતે વાડીના મકાનમાં પરિવારજનો અને પતિ પત્ની રૂમમાં ખાટલામાં સૂતા હતા. આ સમયે સંગીતાનો ભાઇ દિનેશ સુખાભાઇ સાબળીયા તેમજ મનડાસરનો તેનો પૂર્વ પતિ દિનેશ સાપરા અને પૂર્વ કાકાજી જેસા નરશીભાઇ સાપરાએ તિક્ષ્ણ છરી, અને લાકડીઓ સાથે આવી હુમલો કરી લોહિયાળ ખૂની ખેલ ખેલી નાસી છૂટયા હતા.
પ્રેમ પ્રકરણના મનદુ:ખ મા ખેલાયેલા ખૂની ખેલમાં પ્રેમાંધ ભાવેશ અને તેના પિતા ધૂધાભાઇની હત્યા નિપજતા સમગ્ર વિસ્તારમાં બેવડી હત્યાના બનાવે ચકચાર જગાવી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ધુધાભાઇના પત્ની મજુંબેન બજાણીયા (ઉ.વ.55)એ પણ આજે સારવાર દરમિયાન દમ તોડતા આ ઘટના ત્રિપલ મર્ડરમાં પરિણમી છે.
થાનગઢ પોલીસમાં ઘટનાની જાણ થતા જ દોડધામ શરૂ કરેલ ઘટના સ્થળે જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, ડીવાયએસપી વિશાલ રબારી અને વિવિધ બ્રાન્ચો સહિતનો પોલીસ કાફલાએ સ્થળ મુલાકાત કરી ટીમો બનાવી હવામાં ઓગળી ગયેલા આરોપીઓને પકડવા માટે દોડધામ આદરી હતી. જો કે હજુ સુધી કોઈ જ સફળતા પોલીસને સાપડી નથી.
બીજી તરફ થાનગઢ ખાતે સામાજીક આગેવાનો એકઠા થઈ ગયા હતા અને આરોપી પકડો પછી લાશને સ્વીકારીશું તેમ અધિકારીઓને જણાવેલ મામલો બિચકતો અટકાવવા પીએમ બાદ બંન્ને મૃતદેહ ને પોલીસ દ્વારા નિનામા ગામે લઇ જવાયા હતા. તેમજ મોડી રાત્રે મામલો થાળે પડતા મૃતદેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. એવામાં આજે મજુંબેનનુ મોત નિપજતા પરિવાર ફરી ઉશ્કેરાયો હતો અને તેમની લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે પોલીસ અને આગેવાનોએ મામલો થાળે પાડવા મૃતકના પરિવારજનો સાથે વાતચીત શરૂ કરી છે.
