WI vs ENG ODI: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર અલ્ઝારી જૉસેફને ઈંગ્લેન્ડ સામે રમાવા જઈ રહેલી 5 T20 સિરીઝની પ્રથમ બે મેચમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વન-ડે મેચ વખતે મેદાન પર અલ્ઝારી જોસેફને ટીમના કેપ્ટન શાઈ હોપ સાથે માથાકૂટ થઈ હતી. જેના કારણે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે અલ્ઝારી જોસેફને બે મેચ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ફિલ્ડિંગ સેટ કરી હતી, જેને બદલવા માટે અલ્ઝારી જૉસેફે જણાવ્યું હતુ. જો કે કેપ્ટને ઈનકાર કરતાં બન્ને વચ્ચે મેદાન પર જ જીભાજોડી થઈ હતી. આખરે ગુસ્સાથી લાલચોળ થઈને અલ્ઝારી જૉસેફે મેદાન છોડી દીધુ હતુ. જેના કારણે કેરેબિયન ટીમે એક ઑવર 10 ખેલાડીઓ સાથે જ રમવા મજબૂર બની હતી. જો કે બાદમાં અલ્ઝારી જૉસેફ મેદાનમાં પરત ફર્યો હતો અને ઘાતક બૉલિંગ કરી હતી. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈંગ્લેન્ડ સામે જીત મેળવી હતી.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, કેંસિંગ્ટન ઓવલમાં રમાવા જઈ રહેલી બે ટી-20 મેચ માટે અલ્ઝારી જૉસેફ ટીમમાં નહીં હોય, કારણ કે તેનું વર્તન CWIના પ્રોફેશનાલીઝમને અનુરુપ નહતું. ખેલાડીઓનું આ પ્રકારના વર્તનને નજરઅંદાજ ના કરી શકાય. આથી અમે કાર્યવાહી કરી છે.
બીજી તરફ જૉસેફે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મેં અંગત રીતે કેપ્ટન શાઈ હોપ અને ટીમ મેનેજમેન્ટની માફી માંગી છે. હું વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટ ફેન્સની પણ માફી માંગુ છું.
જણાવી દઈએ કે, 3 મેચની ODI સિરીઝ વેસ્ટ ઈન્ડિઝે 2-1થી જીતીને પોતાના નામે કરી છે. પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ડકવર્થ લુઈસ નિયમથી 8 વિકેટે જીત હાંસલ રી હતી. જ્યારે બીજી વન ડેમાં ઈંગ્લેન્ડની ટીમ 5 વિકેટે જીતી હતી. તેમજ ત્રીજી વન ડે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 8 વિકેટે જીત મેળવી હતી.
