Surendranagar: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે લખતર ખાતે રૂ. 8.52 કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલય - KGBVના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ શાળાના નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું કે, દીકરીઓ આ દેશનું ઘરેણું છે અને દેશની પ્રગતિનું મૂળ તેમની કેળવણી પર રહેલું છે. તેમણે વર્ષ 2002માં શરૂ કરાયેલા કન્યા કેળવણી રથ અને તેનાથી ડ્રોપઆઉટ રેશિયોમાં થયેલા ઘટાડાને યાદ કર્યો હતો અને KGBVને સરકારના આ પ્રયત્નોનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
ભારત સરકાર દ્વારા 2004માં શરૂ કરાયેલો આ રેસિડેન્શિયલ શૈક્ષણિક કાર્યક્રમ શાળા બહારની, ડ્રોપઆઉટ થયેલી કે દુર્ગમ વિસ્તારમાંથી આવતી દીકરીઓના શિક્ષણને પ્રાથમિકતા આપે છે. ગુજરાતમાં કુલ 257 KGBV શાળાઓ આવેલી છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને લઘુમતી વર્ગની આશરે 34000 કન્યાઓ અભ્યાસ કરે છે. અહીં દીકરીઓને શિક્ષણની સાથે ભોજન, યુનિફોર્મ અને તબીબી સુવિધાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ડૉ. વાજાએ ઉમેર્યું હતું કે, "જો દીકરી શિક્ષણ સુધી ના જતી હોય, તો શિક્ષણને દીકરી સુધી લઈ જવું" એ સરકારનો મુખ્ય પ્રયાસ છે. આ પ્રયાસ હજારો દીકરીઓને આત્મનિર્ભર બનાવીને સમૃદ્ધિ તરફ લઈ જવાનો છે.
તેમણે શિક્ષણ ક્ષેત્રની મહત્વની યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "બેટી બચાવો અને બેટી પઢાઓ" સૂત્રની સરાહના કરતાં કહ્યું કે, એક દીકરી ભણે તો બે પરિવાર આગળ વધે છે.
નવા આધુનિક ભવનમાં જીવન કૌશલ્ય તાલીમ જેમ કે સિવણ કામ, હેન્ડીક્રાફ્ટ, કોમ્પ્યુટર સ્કિલ, આરોગ્ય ચકાસણી, માનસિક માર્ગદર્શન, સુરક્ષા માટે સીસીટીવી અને મહિલા સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય થકી જ 2047ના 'વિકસિત' અને 'આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને સિદ્ધ કરી શકાશે.
આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરની દીકરીઓનું શિક્ષણ અવિરત રહે તે હેતુથી સરકારે અહીં નિવાસી ક્ષમતા ૫૦ માંથી વધારીને ૨૦૦ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે, અહીંની બાલિકાઓ અભ્યાસ થકી IAS, IPS, ડૉક્ટર કે એન્જિનિયર બનીને પ્રગતિ કરશે. તેમણે કન્યા કેળવણી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૂકેલા વિશેષ ભારને કારણે સુરેન્દ્રનગર જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.
શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, 86 શાળાઓમાં ઓરડાની ઘટ અંગે રિપોર્ટ રજૂ કરાતાં મુખ્યમંત્રીએ તમામ કામો મંજૂર કરીને રૂ. 102 કરોડ ફાળવ્યા છે. શિક્ષણ ઉપરાંત અન્ય વિકાસ કાર્યોની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, લખતર પાટડી ક્ષેત્રમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણી માટે રૂ. 59 કરોડની યોજના મંજૂર થઈ છે અને રોડ રસ્તાના સંદર્ભમાં પણ 64 પંચાયત હસ્તકના અને 9 સ્ટેટ હસ્તકના રસ્તાઓ મંજૂર થયા છે.
આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ અને જુસ્સાભેર કરાટેના દાવપેચ રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ શાળાઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ તેમજ જુદી જુદી સરકારી યોજનાઓનું માહિતી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
