Vadodara: ડભોઈમાં બુટલેગરનો કીમિયો નિષ્ફળ, રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

પોલીસની ટીમે રસોડામાં ગેસનું સિલિન્ડર હટાવતા ટાઈલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ભોંયરું મળી આવ્યું. જેમાંથી દારૂ અને બીયરનો રૂ.3.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 11:15 PM (IST)Updated: Sun, 14 Dec 2025 11:15 PM (IST)
vadodara-news-lcb-seized-rs-3-31-lakh-liquor-from-bootlegger-house-at-arania-village-of-dabhoi
HIGHLIGHTS
  • LCB ટીમે બાતમીના આધારે અરણીયા ગામના રહેણાંક મકાનમાં છાપો માર્યો
  • બુટલેગર દિનેશ ઉર્ફે પકો પોલીસ પકડથી દૂર

Vadodara: વડોદરા ગ્રામ્ય LCBની ટીમે પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી હેઠળ એક મહત્વની સફળતા મેળવી છે. જેમાં ડભોઈ તાલુકાના અરણીયા ગામમાં એક ઘરના રસોડામાં ગેસના સિલિન્ડરની ટાઇલ્સ નીચે બનાવેલા અંડરગ્રાઉન્ડ ગુપ્ત ભોયરામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

વડોદરા ગ્રામ્ય એલસીબીના પીઆઈ કે. આર. સિસોદીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ જિલ્લામાં પ્રોહિબિશન ગુનાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન LCBના ASI ભૂપતભાઈ વિરમભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રણવીરસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર કિશનસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, અરણીયા ગામે રહેતો દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારીયા પોતાના ઘરના રસોડામાં ગેસના બોટલની ટાઇલ્સ નીચે ગુપ્ત ભોયરું બનાવી તેમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખતો હતો.

આ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક રેઇડ હાથ ધરી હતી. રેઇડ દરમિયાન આરોપી દિનેશભાઈ ઘરે હાજર મળ્યો નહોતો, પરંતુ રસોડાની ટાઇલ્સ નીચે બનાવેલા ગુપ્ત ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ભોયરું જોઈને પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી, કારણ કે દારૂ છુપાવવાની આ પદ્ધતિ અત્યંત ચાલાક અને ગુપ્ત હતી.

naidunia_image

પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 1368 ક્વાર્ટર અને બીયરના ટીન જપ્ત કરી કુલ રૂ. 3.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી દિનેશભાઈ ઉર્ફે પકો શનાભાઈ બારીયા વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બુટલેગરો પોલીસની નજરમાંથી બચવા માટે દારૂ છુપાવવાના નવા-નવા ઉપાયો અજમાવતા રહે છે, પરંતુ વડોદરા ગ્રામ્ય એલસીબીની સક્રિય કામગીરીને કારણે આવા ગુનાઓ પર અંકુશ લાવવામાં પોલીસ સફળ સાબિત થઈ રહી છે.