Surednranagar: ગુજરાતના જાણીતા લોકગાયક ગમન સાંથલ પોતાના વતન મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સાંથલ ગામેથી સેવકો સાથે દ્વારકા પગપાળા સંઘમાં નીકળ્યા છે, ત્યારે આજે તેમનો સંઘ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પહોંચ્યો હતો. જ્યાં માલધારી સમાજના આગેવાનો દ્વારા ઢોલ-નગારા સાથે ગમન સાંથલ સહિતના ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
450 કિમીનું અંતર પગપાળા કાપીને 20 દિવસ બાદ સંઘ દ્વારકા પહોંચશે
ગત 26 નવેમ્બર ગુરુવારના રોજ પૂજા-અર્ચના સહિતની ધાર્મિક વિધિ બાદ ગમન સાંથલ સહિતના સેવકોનો સંઘ પગપાળા દ્વારકા જવા રવાના થયો હતો. બીજા દિવસે પગપાળા સંઘ માંડલ તાલુકાના નાના ઉભડા ગામે પહોંચ્યો હતો. જ્યાં પગપાળા સંઘમાં આવેલા ભક્તોએ ગામના માતાજીના મઢમાં દર્શન કર્યાં હતા. જ્યારે ગામના આગેવાનો દ્વારા ગમન સાંથલનું સન્માન કરવામાં આવ્યું હતુ. જે બાદ 3 વાગ્યે ફરીથી સંઘ દ્વારકા જવા રવાના થયો હતો.
આજે આ પગપાળા સંઘ પાટડી પહોંચ્યો હતો. જ્યાં પાટડી ઉપરાંત આસપાસના ગામોમાંથી આવેલા માલધારી, રબારી સમાજ સહિત અન્ય સમાજના અગ્રણીઓ દ્વારા ગમન સાંથલ સહિતના યાત્રિકોનું ઢોલ-નગારા અને ફૂલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતુ.
ગમન સાંથલ સહિત તેમની સાથે પગપાળા આવેલા યાત્રિકોને પાટડીના આબુરાજ અન્નક્ષેત્રમાં ઉતારો આપવામાં આવ્યો છે. જ્યાં તેઓ દિવસ દરમિયાન આરામ કર્યાં બાદ સાંજે ફરીથી દ્વારકા જવા પ્રયાણ કરશે.
જણાવી દઈએ કે, ગત 26 નવેમ્બરે સાંથલ ગામથી પ્રથમ વખત દ્વારકા પગપાળા સંઘ જઈ રહ્યો છે. જે 450 કિલોમીટરનું અંતર કાપીને 20 દિવસ બાદ 16 અથવા 17 ડિસેમ્બરે દ્વારકા પહોંચશે.
