Surendranagar: હવે થાનગઢમાં સગીરા પર 7 નરાધમોએ દુષ્કર્મ આચર્યું, અલગ-અલગ સ્થળોએ લઈ જઈ વારાફરતી ઈજ્જત લૂંટી

પ્રેમ પ્રકરણની પરિવારને જાણ થતાં ઘરેથી ભાગી ગયેલી સગીરાનો પ્રેમી સહિતની ટોળકીએ દેહ ચૂંથ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Oct 2024 05:19 PM (IST)Updated: Fri, 18 Oct 2024 05:19 PM (IST)
surendranagar-news-7-rape-on-teenage-girl-at-thangadh-police-held-3-accused
HIGHLIGHTS
  • સગીરા પ્રેમી અને તેના મિત્રોની ચુંગાલમાં ફસાઈ
  • 8 પૈકી 3 દુષ્કર્મીઓની ધરપકડ, અન્ય હવસખોરોની શોધખોળ

Surendranagar: તાજેતરમાં નવરાત્રિ દરમિયાન વડોદરા અને સુરતમાં બનેલી સામુહિક દુષ્કર્મની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ઘરેથી ભાગેલી સગીરા પર તેના પ્રેમી સહિત 7 શખ્શોએ સમયાંતરે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી સગીરા એક યુવક સાથે પ્રેમસબંધમાં હતા. જેની જાણ સગીરાના પરિવારને થઈ જતાં તે ઘર છોડીને ભાગી ગઈ હતી. જે બાદ પ્રેમીના મિત્રોએ બન્નેના પરિવારને સમજાવી તેમને એક કરવા મદદ કરશે, તેવા બહાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયા હતા, જ્યાં 7 મહિના સુધી વારંવાર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ.

બીજી તરફ સગીરા ગુમ થઈ હોવા અંગે તેના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સગીરા હેમખેમ મળી આવતા પોલીસે તેના પરિવારને સોંપીને રાહતનો શ્વાસ લીધો હતો. જો કે પીડિત સગીરા ગુમસુમ રહેતી હોવાથી મહિલા પોલીસ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવતા તેના પર પ્રેમીના મિત્રોએ વારાફરતી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

આ મામલે પીડિતાની માતા દ્વારા થાનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલસે અજય ભરવાડ, અજય અલગોતર, શૈલેષ અલગોતર, ધ્રુવ ચાવડા, કૌશિક ગોસ્વામી, વિજયસિંહ સોલંકી, દર્શન સદાદીયા અને તેમને મદદ કરનાર કાના ઉર્ફે હરિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ તો પોલીસે 8 આરોપીઓ પૈકી 3ને ઝડપી પાડ્યા છે, જ્યારે બાકીનાની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સિવાય પીડિતાના મેડિકલ માટે તજવીજ હાથ ધરી છે.

આ અંગે DySp વિશાલ રબારીએ જણાવ્યું કે, પીડિતાની માતાએ તેમની દીકરી સાથે અલગ-અલગ સમયે અલગ-અલગ વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તેમની દીકરી 18 વર્ષની નાની હોવાથી પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.