Surendranagar: માલવણ હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, શક્તિ માતા મંદિરે દર્શન કરવા ગયેલી અમદાવાદની 4 મહિલાઓના મોત

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ. પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે. મૃતક મહિલાના પરિવારજનો અમદાવાદથી લખતર આવવા રવાના

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Oct 2025 05:44 PM (IST)Updated: Tue, 07 Oct 2025 08:52 PM (IST)
surendranagar-news-4-women-from-ahmedabad-dead-in-car-hits-dumper-on-malvan-highway
HIGHLIGHTS
  • ઝેઝરી ગામ નજીક સામેથી પુરપાટ આવતું ડમ્પર કાર સાથે ભટકાયું
  • અકસ્માતમાં અલ્ટ્રોઝ કારનો કચ્ચરઘાણ વળી ગયો

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ડમ્પર અને કાર સામ-સામે ધડાકાભેર ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં 4 મહિલાઓના મોત નીપજ્યા છે, જ્યારે એક પુરુષને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ચારેક જેટલી મહિલાઓ અલ્ટ્રોજ કારમાં પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિ માતાના મંદિરે દર્શન કર્યા બાદ વણા શક્તિ માતાના મંદિર તરફ જઈ રહ હતી. તેમની કાર માલવણ હાઈવે પર આવેલ ઝેઝરી ગામ નજીક પહોંચી ત્યારે સામે સુરેન્દ્રનગરથી પુરપાટ આવી રહેલા ડમ્પર સાથે ભટકાઈ ગઈ હતી.

આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. જેના પગલે માલવણ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં બજાણા પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે કારના ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે.

naidunia_image

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાઓ પૈકી બે ડેરવાળાની વતની હતી અને હાલ અમદાવાદમાં રહેતી હતી. જ્યારે તેમની સાથે રહેલી અન્ય બે મહિલાઓ અમદાવાદમાં તેમના પાડોશમાં રહેતી હોવાનું માલૂમ પડ્યું છે. આ બાબતની જાણ થતાં મૃતક મહિલાઓના પરિવારજનો પણ અમદાવાદથી સુરેન્દ્રનગર આવવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.