VIDEO: દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ, પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા નહીં

રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમો તૈનાત. ભીડ પર નજર રાખવા માટે CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સની મદદ લેવાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Oct 2025 05:21 PM (IST)Updated: Tue, 07 Oct 2025 08:29 PM (IST)
surat-news-rush-at-railway-station-ahead-of-diwali-chhath-puja-and-bihar-election
HIGHLIGHTS
  • તહેવારોની સિઝન આવતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોની વતન ભણી દોટ
  • અમરોલીમાં જૂના ઝઘડાની અદાવતમાં મિત્રોએ ભેગા મળી યુવકને રહેંસી નાંખ્યો

Surat: આગામી સમયમાં દિવાળીનો તહેવાર, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લઈને સુરતના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

સુરત શહેર હીરા નગરી અને ટેક્સટાઈલ નગરી તરીકે જાણીતું શહેર છે, જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો કામ અર્થે વસવાટ કરે છે. આ પરપ્રાંતીયો વાર-તહેવાર દરમ્યાન પોતાના માદરે વતન જતા હોય છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર, છઠ પૂજા અને બિહારની ચૂંટણી આવી રહી હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે.

સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જનારા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર હૈયે-હૈયુ દળાય એટલી ભીડ જોવા મળી રહી છે.

​પરપ્રાંતીય શ્રમિકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા માટે વહેલી તકે વતન જવા આતુર છે. આ અતિશય ભીડને કારણે સ્ટેશન પર રેલવે પ્રશાસન માટે આ ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવી છે. સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં, ભીડ પર નજર રાખવા માટે CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

naidunia_image

અમરોલીમાં જૂના ઝઘડાની અદાવતમાં મિત્રોએ ભેગા મળીને યુવકનું ઢીમ ઢાળ્યું
સુરત શહેરના અમરોલી ચેકપોસ્ટ પાસે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપીને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ અમરોલી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા અલ્પેશ રાજપૂત (21) તરીકે થઈ છે. એક અઠવાડિયા અગાઉ મિત્રો સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને તેની હત્યા કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે આ મામલે 3 લોકોની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.