India ODI Squad Ind Vs Aus: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી વન-ડે અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દીધુ છે. જેમાં રોહિત શર્માને (Rohit Sharma) વન-ડે ટીમના કેપ્ટન પદેથી હટાવીને ટીમની કમાન શુભમન ગિલને (Shubman Gill) સોંપવામાં આવતા તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેટલાક ક્રિકેટ રસિકો તેમજ પૂર્વ ક્રિકેટરો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક આ મામલે BCCIનું સમર્થન કરી રહ્યા છે. એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ પણ શુભમન ગિલને વન-ડે ટીમનું સુકાન સોંપવાના નિર્ણયનું સ્વાગતકર્યું છે.
હકીકતમાં રોબિન ઉથપ્પાએ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, 2027માં આવી રહેલા વિશ્વકપ સુધીમાં રોહિત શર્મા લગભગ 41 વર્ષનો થઈ ગયો હશે. આથી તેની વધતી ઉંમરને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
આ પણ વાંચો
વધુમાં રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે, રોહિત શર્માનું ફોર્મ એકદમ નહીં બગડે, પરંતુ તેના રિફ્લેક્લેઝ પર ઉંમરની જરૂર અસર વર્તાશે. હાલ પણ રોહિત શર્મા વધારે પડતું ક્રિકેટ નથી રમી રહ્યો. રોહિત શર્મા કદાચ ઈન્ડિયન પ્રીમિયર લીગ અને વન ડે ક્રિકેટમાં જ રમતો જોવા મળશે. જો તે ઈચ્છે તો ડોમેસ્ટિક વન ડે મેચ પણ રમી શકે છે.
જણાવી દઈએ કે, રોહિત શર્મા હાલ સાડા આડત્રીસ વર્ષનો છે. રોહિત શર્માએ 56 ODIમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે, જે પૈકી 42માં જીત મળવી છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં જ ભારત માત્ર 12 મેચ જ હાર્યું છે, જ્યારે એક મેચ ટાઈ તેમજ એકનું કોઈ પરિણામ નથી આવ્યું.
આ આંકડા જ દર્શાવે છે કે, રોહિત શર્મા કેટલો સફળ કેપ્ટન છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વની કોઈ પણ ટીમમાં 50થી વધુ વન-ડેમાં કેપ્ટનશિપ કરનાર સફળ કેપ્ટનમાં રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિત શર્માની પહેલા વેસ્ટ ઈન્ડીઝના ક્લાઈવ લૉઈડનો ક્રમ આવે છે, જેમણે પોતાની કેપ્ટનશિપમાં 84 વન ડે મેચ રમી 64 મેચ જીતી હતી. ક્લાઈવ લૉઈડની જીતની સરેરાશ 76.19 ટકા રહી છે. રોહિત શર્માએ જ 2024માં ટીમ ઈન્ડિયાન T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ વિજેતા બનાવી.
