Surendranagar: સુરેન્દ્રનગરમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતા પર શુદ્ધિકરણના નામે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે બે મહિલા સહિત 9 લોકોની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરેન્દ્રનગરમાં રહેતો એક યુવક પરિણીત મહિલાને ભગાડી ગયો હતો. આ બાબતની જાણ થતાં મહિલાના પતિ તેમજ પરિવારજનો દ્વારા બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બન્ને જણા પકડાઈ જતાં બન્નેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, શુદ્ધિકરણના નામે ભાગી જનારી પરિણીતા પર તેની મરજી વિરુદ્ધ સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત પરિણીતાને પ્રેમીને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. જે બાદ ખાટલા સાથે બાંધીને પરિણીત પ્રેમિકાનું પેશાબ યુવકને પીવડાવવામાં આવ્યું હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જે બાદ વીડિયોના આધારે બે મહિલા સહિત 9 લોકોની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
