વઢવાણમાં છૂટાછેડાના કેસની મુદ્દતમાં થયેલા ઝઘડાનો લોહીયાળ અંત, પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને રિક્ષામાં જ વેંતરી નાંખી

સુરેન્દ્રનગરના વઢવાણમાં છૂટાછેડાના કેસની મુદત પરથી પરત ફરતી પત્નીની પતિએ રિક્ષામાં જ છરીના ઘા ઝીંકી હત્યા કરી. ગંભીર ઈજાઓને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે આરોપી પતિ ફરાર છે અને પોલીસ તપાસ ચાલુ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 07:01 PM (IST)Updated: Wed, 19 Aug 2026 07:01 PM (IST)
surendranagar-crime-news-man-stabs-wife-to-death-after-family-dispute-in-wadhwan
07_08_2023-stabbed_23494730-1782296688513.jpg

Surendranagar Crime News: સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રિક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ આરોપી પતિ ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પત્ની છૂટાછેડાના કેસમાં મુદતે આવી હતી અને ત્યાંથી પોતાન ઘરે જતી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વઢવાણના મૂળચંદ રોડ પર આવેલા માનવ મંદિર નજીક છૂટાછેડામાં કોર્ટ મુદતે આવેલી પત્ની તેની માતા સાથે રિક્ષામાં બેસી ઘરે પરત જતી હતી. આ દરમિયાન રિક્ષામાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલી હદે વણસ્યો કે, આવેશમાં આવેલા પતિએ અચાનક પોતાની પાસે રહેલી ધારદાર છરી કાઢી પત્ની પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું.

હિચકારા હુમલા બાદ પત્નીને લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતી મૂકીને પતિ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જે બાદ રાહદારીઓ તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા અને મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ મોકલી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી છે.

બીજી તરફ આ બનાની જાણ થતાં વઢવાણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં મહિલાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જ્યારે હત્યાનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા પતિની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.