Ahmedabad Fire News: અમદાવાદના સરખેજ-સાણંદ ચોકડી નજીક ટાયરના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો છે અને હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સરખેજ-સાણંદ ચોકડી નજીક રીલિફ હોટલની ગલીમાં આવેલ ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભડકી હતી.
ગોડાઉનમાં રહેલા ટાયરોના કારણે આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાવા લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી જવા પામી હતી.
બીજી તરફ આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 8 ગાડીઓ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે બળી રહેલા ટાયરના ધુમાડાના કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓને આગ બુઝાવવામાં તકલીફ પડી રહી છે.
હાલ તો તકેદારીના ભાગરૂપે ઈન્ડિયા એસ્ટેટમાં આવેલી અન્ય ઑફિસો અને દુકાનોને પણ ખાલી કરાવી દેવામાં આવી છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
