સાયલામાં વૉન્ટેડ હિસ્ટ્રીશીટરને પકડવા ગયેલી રાજકોટ રેન્જ IGની ટીમ પર હુમલો, PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કરી આરોપીને દબોચ્યો

રાજકોટ રેન્જ આઈજી (IG) ની ટીમ પર સુરેન્દ્રનગરના સાયલામાં વોન્ટેડ અપરાધી દેવેન્દ્ર બોરીચાએ હુમલો કર્યો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું, જેનાથી આરોપી ઘાયલ થયો અને તેને ઝડપી લેવામાં આવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Oct 2026 09:12 PM (IST)Updated: Fri, 16 Oct 2026 09:12 PM (IST)
rajkot-range-ig-team-attacked-in-surendranagar-police-open-fire-at-accused

Surendranagar News: રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાયની ટીમ પર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી છે. જેમાં 6 જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ હિસ્ટ્રીશીટર દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ઉર્ફે જેન્ડુ બોરીચાને ઝડપી લેવાની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસ ટીમ સાથે ઝપાઝપી કરી PSI ભાનુ મિયાત્રાની રિવોલ્વર આંચકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ દરમિયાન રેન્જના PSI પૃથ્વીસિંહ મોરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડ આરોપીના પગમાં વાગતાં તે ઘાયલ થયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં નોંધાયેલા 6 જેટલા ગુનાઓમાં નાસતો ફરતો હતો. તેને ઝડપી પાડવા માટે રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સાયલા વિસ્તારમાં આરોપી અને પોલીસ ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું.

PSIની રિવોલ્વર આંચકી હુમલાનો પ્રયાસ

પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી દેવેન્દ્રએ PSI ભાનુ મિયાત્રાની રિવોલ્વર આંચકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો મળી છે. આ સમયે PSI ભાનુ મિયાત્રા અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેન્જના PSI પૃથ્વીસિંહ મોરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પ્રથમ રાઉન્ડ હવામાં છોડવામાં આવ્યો હતો, જ્યારે બીજા રાઉન્ડમાં આરોપીના પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો.

જે બાદ ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે સાયલા ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદની તજવીજ

આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસની ફરજમાં રુકાવટ સહિતની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, ફરિયાદની અંતિમ વિગતો અને ઘટનાક્રમ અંગે પોલીસની સત્તાવાર પુષ્ટિ મળ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.