Chotila Chamunda Mata Temple Navratri 2026: મા નવદુર્ગાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ગાંધીનગરના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનરની કચેરીના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તા. 15 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ રાત્રે 8:00 કલાકે ચોટીલા ખાતે આવેલા શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ પ્લોટમાં 'નવરાત્રી શક્તિ પર્વ-2026' ધામધૂમથી ઉજવાશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ માતાજીના દર્શન કરીને ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
નાયબ મુખ્યમંત્રી કરશે ચામુંડા માના દર્શન
આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે. તેઓ બપોરે 12:30 કલાકે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, હિરાસર ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ત્યાંથી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જવા માટે પ્રસ્થાન કરશે. બપોરે 13:10 કલાકે તેઓ ચોટીલા ખાતે ચામુંડા માતાજી મંદિરની તળેટીમાં પહોંચશે, જ્યાં તેમનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ
ચોટીલા તળેટી ખાતે દર્શન અને પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ, બપોરે 13:35 કલાકે તેઓ ચામુંડા માતાજીના દર્શનાર્થે ચોટીલા ડુંગર ઉપર જવા માટે પ્રસ્થાન કરશે. ડુંગર ઉપર ચામુંડા માતાજીના મંદિરે પહોંચીને તેઓ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન, ધ્વજારોહણ અને વિશેષ પૂજા વિધિમાં ભાગ લેશે. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ, તેઓ તળેટી ખાતે પરત ફરશે. ત્યારબાદ તેઓ તળેટીથી ચોટીલા પોલીસ રેસ્ટ હાઉસ જવા રવાના થશે. નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાતને લઈને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સુપ્રસિદ્ધ ગાયકો બોલાવશે રમઝટ
આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ગુજરાતના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય કલાકારો દિવ્યેશ જેઠવા, ઋજુ જાદવ તેમજ રૂપલબેન ગૌસ્વામી પોતાના સુમધુર સૂર, સંગીત અને ગરબાના તાલથી ખેલૈયાઓ તથા ઉપસ્થિત ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કરશે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભક્તિસભર પર્વમાં સહભાગી થવા માટે જિલ્લાના તમામ ધર્મપ્રેમી નાગરિકો, શ્રદ્ધાળુઓ અને ગરબા રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મા આદ્યાશક્તિની આરાધનાના ઉત્સવને માણવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
