રાજકોટ-ચોટીલા હાઈવે પર ડામર ભરેલા ટેન્કર સાથે અથડાતા ભડકે બળી બસ, 4 લોકોના મોત-10 ઘાયલ; જુઓ VIDEO

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 14 May 2026 08:45 AM (IST)Updated: Thu, 14 May 2026 10:34 AM (IST)
rajkot-bus-tanker-accident-on-chotila-highway-many-dead-ten-critical
HIGHLIGHTS
  • રાજકોટ-ચોટીલા હાઈવે પર ગંભીર અકસ્માત
  • ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર
  • આ ઘટનામાં 4 લોકોના મોત, 10 ઇજાગ્રસ્ત

Rajkot Accident News: રાજકોટ-ચોટીલા નેશનલ હાઇવે પર એક હ્રદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચોટીલા તાલુકાના સાંગાણી ગામ પાસે એક મુસાફર ભરેલી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઈ, જેના કારણે બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ટક્કર બાદ તરત જ વાહનોમાં લાગી આગ

પ્રાપ્ત વિગતો અનુસાર, સાંગાણી ગામ પાસેથી પસાર થઈ રહેલી બસ અને ટેન્કર વચ્ચે લગભગ 1:30 વાગ્યે અથડામણ થઈ હતી. ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા તેની ગતિ ધીમી પડી, અને પાછળથી આવી રહેલી ખાનગી બસ ધડાકાભેર ટેન્કરના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ગણતરીની મિનિટોમાં જ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી.

કમનસીબે ચાર લોકો કાળનો કોળિયો બન્યા

જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદર ફસાયેલા મુસાફરોમાં ભારે ચીચીયારી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ભાગ્યવશ, બચાવની પૂરતી તક મળે તે પહેલા જ 4 અભાગી લોકો આગનો શિકાર બન્યા હતા, અને ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યા હતા. આ સાથે જ 10 જેટલા લોકો દાઝીને ઈજાગ્રસ્ત પણ થયા હતા.

naidunia_image

ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી

અકસ્માત અને આગની ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો, રાહદારીઓ અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. બીજી તરફ, તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

naidunia_image

રાહત-બચાવ કાર્ય, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

આ દુર્ઘટનામાં દાઝી ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા 10 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માત અને ત્યારબાદ વાહનોમાં લાગેલી આગને કારણે સુરક્ષાના કારણોસર રાજકોટ-ચોટીલા હાઈવે પર બંને તરફનો ટ્રાફિક થોડા સમય માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

હાઈવે પર ટ્રાફિક જામ અને પોલીસ તપાસ

ઘટના અંગે ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ કહ્યું કે, "અકસ્માતના ચારેય મૃતકોના મૃતદેહને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. વધુમાં, 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે." ઘટના સ્થળે પહોંચેલી ચોટીલા પોલીસે ક્રેનની મદદથી દુર્ઘટનાગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડીને ટ્રાફિક વ્યવહાર પૂર્વરત કરાવવાની કામગીરી કરી હતી. હાલમાં પોલીસે આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.