Rajkot Dahisarda Accident: પડધરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા દહિસરડા (આજી) ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામ પાસે આવેલા પાટ હનુમાન મંદિર પાછળના ચેકડેમમાં ન્હાવા પડેલા સ્કૂલના ચાર બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ મૃતદેહ મળ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
નહાવા ગયેલા બાળકો પાણીમાં ગરકાવ
મળતી વિગતો અનુસાર, શનિવારે બપોરના આશરે ત્રણ વાગ્યાની આસપાસ ચાર બાળકો ચેકડેમ પાસે પહોંચ્યા અને પાણીમાં ન્હાવા ઉતર્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તેમજ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમ દ્વારા ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેને પોસ્ટમોર્ટમ અર્થે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
દુર્ઘટનામાં ભોગ બનેલા બાળકોની વિગત
ધ્યેય મનીષભાઈ ધમાસણા (ઉંમર - 14, રહે. દહિસરડા-આજી, પડધરી, રાજકોટ)
વંશીત વિજયભાઈ ખંભાયતા (ઉંમર 15, રહે. ધ્રોલ, જામનગર)
વાસુ યોગેશભાઈ સવસાણી (ઉંમર 12, રહે. જનકપુરી સોસાયટી, રાજકોટ; મૂળ - દહીસરડા)
દીપ ગંગારામભાઈ રાજપરા- શોધખોળ ચાલુ
યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પડધરીના મામલતદાર, મેટોડા PI મહાવિરસિંહ પરમાર તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા બાળક દીપ રાજપરાને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
