Gandhinagar: ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની 'ચિંતન શિબિર'ના વિશેષ સત્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગના જિલ્લાઓની શ્રેષ્ઠ વહીવટી કામગીરી અને જનહિતની પહેલો રજૂ કરવામાં આવી હતી.
જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાએ વિભાગના તમામ જિલ્લાઓની સિદ્ધિઓનું વિગતવાર પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે, વહીવટી પારદર્શિતા અને કડક કાયદાકીય અમલીકરણ દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવી છે.
જાહેર સુરક્ષાને ધ્યાને રાખી ભયજનક દબાણો દૂર કરી અંદાજે રૂ. 2325 કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. 'સરપંચ સંવાદ’ અને ગામતળના પ્રશ્નોના નિરાકરણ દ્વારા છેલ્લાં બે વર્ષમાં રૂ. 20 કરોડની 37 હેક્ટર જમીન દબાણમુક્ત કરાઈ. ઐતિહાસિક હડપ્પકાલીન સ્થળોને રેકોર્ડ પર લેવાની સાથે 6037 એકર જમીન તળાવો માટે અને 210 એકર જમીન રમતગમતનાં મેદાનો માટે નીમ કરવામાં આવી છે.
આ સાથે તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ગેરકાયદે ખનનને અટકાવવા BNSS-2023 અને લેન્ડ ગ્રેબિંગ સહિતના 17 કાયદાઓનો ઉપયોગ કરીને મળેલી ઐતિહાસિક સફળતા, જામનગરમાં પી.એમ. ગતિશક્તિ પોર્ટલ અને GIS ટેકનોલોજીનો ઉપયોગ કરી લેન્ડ ગ્રેબિંગ અને જમીન ફાળવણીના કેસોમાં લાવવામાં આવેલી ચોકસાઈ, બોટાદ જિલ્લાની "Connect @ Botad Podcast" દ્વારા વહીવટી તંત્ર સીધું ગ્રામજનો સાથેના જોડાણ વગેરે સારી પહેલોની સરાહના કરી હતી.
આ સાથે રાજકોટ જિલ્લાના ‘સ્વાગત ઓડિટ મિકેનિઝમ’ દ્વારા અરજદારોનો ટેલિફોનિક સંપર્ક કરી ફીડબેક લેવામાં આવે છે,ગીર સોમનાથના ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 100 ટકા નિક્ષય મિત્રની પહેલ સહિત ભાવનગર, પોરબંદર અને બોટાદમાં વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને રહેણાંક માટે મફત પ્લોટની ફાળવણી જેવી ઉત્કૃષ્ટ પહેલો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
