Railway Update: વટવા-વરેઠા MEMU ટ્રેનનો પ્રારંભ, જાણો સમયપત્રક અને સ્ટોપેજની માહિતી

હાલમાં મહેસાણાથી વરેઠા સુધી રેલ કનેક્ટિવિટી છે, જ્યારે વરેઠાથી અંબાજી અને આબુ સુધી રેલવે લાઈનનું નિર્માણ કાર્ય ચાલુ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Nov 2026 10:01 PM (IST)Updated: Sun, 29 Nov 2026 10:01 PM (IST)
varetha-gandhinagar-capital-memu-train-extended-to-vatva-varetha-vatva-memu-train-service-schedule

Varetha-Vatva MEMU Train: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 69208/69207 વરેઠા-ગાંધીનગર કેપિટલ MEMU ટ્રેનને વટવા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે 29 નવેમ્બર, રવિવારના રોજ વટવા રેલવે સ્ટેશનથી અમદાવાદના મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશ અને સ્થાનિક પ્રતિનિધિઓએ લીલી ઝંડી બતાવી વટવાથી વરેઠા વચ્ચે મેમુ રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

લાંબા સમયથી પેન્ડિંગ મુસાફરોની માંગ પૂર્ણ

વટવા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે, ગાંધીનગર કેપિટલ-વરેઠા MEMU ટ્રેનને વટવા સુધી લંબાવવી એ મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ પૂર્ણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને ધારાસભ્ય બાબુસિંહ જાધવના પ્રયાસોથી ટ્રેનનું વિસ્તરણ શક્ય બન્યું છે.

આ રેલ સેવા શરૂ થવાથી વરેઠા, વડનગર, વિસનગર, મહેસાણા, કલોલ અને ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોના મુસાફરોને અમદાવાદ, સાબરમતી, મણિનગર અને વટવા સુધી સીધી ટ્રેનની સુવિધા મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને રોજિંદા મુસાફરોને તેનો લાભ થશે.

ભવિષ્યમાં અંબાજી સુધી પણ ટ્રેન લંબાઈ શકે 

DRM વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, આ રેલ સેવા ધાર્મિક પ્રવાસન અને શ્રદ્ધાળુઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હાલમાં મહેસાણાથી વરેઠા સુધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. જ્યારે વરેઠાથી અંબાજી અને અંબાજીથી આબુ સુધી રેલવે લાઈનનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ પ્રોજેક્ટના કેટલાક ભાગોમાં CRS નિરીક્ષણ પ્રસ્તાવિત છે. રેલવે લાઈનનું નિર્માણ પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં આ ટ્રેનને અંબાજી સુધી લંબાવી શકાશે. આથી શ્રદ્ધાળુઓને મા અંબાજીના દર્શન માટે અનુકૂળ રેલ મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ થઈ શકશે.

MEMU ટ્રેનમાં 8 કોચ, ભવિષ્યમાં વધારો થશે

મંડળ રેલવે પ્રબંધકે જણાવ્યું હતું કે, આ MEMU ટ્રેનમાં વધુ મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં ટ્રેનમાં 8 કોચ છે. ભવિષ્યમાં મુસાફરોની સંખ્યા અને જરૂરિયાત વધશે તો કોચની સંખ્યામાં વધારો કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી શકે છે.

ટ્રેન નંબર 69207 વટવા-વરેઠા MEMU સમયપત્રક

ટ્રેન નંબર 69207 વટવા-વરેઠા MEMU વટવા સ્ટેશનથી સાંજે 5:10 વાગ્યે ઉપડશે અને વિવિધ સ્ટેશનો પર રોકાણ કર્યા બાદ રાત્રે 9:30 વાગ્યે વરેઠા પહોંચશે.

  • વટવા: પ્રસ્થાન 5:10 વાગ્યે
  • મણિનગર: 5:15 વાગ્યે
  • અમદાવાદ: 5:25 વાગ્યે
  • સાબરમતી: 5:58 વાગ્યે
  • ચાંદખેડા રોડ: 6:07 વાગ્યે
  • ગાંધીનગર કેપિટલ: 6:35 વાગ્યે
  • કલોલ: 7:04 વાગ્યે
  • મહેસાણા: 7:58 વાગ્યે
  • વરેઠા: આગમન 9:30 વાગ્યે

ટ્રેન નંબર 69208 વરેઠા-વટવા MEMU સમયપત્રક

ટ્રેન નંબર 69208 વરેઠા-વટવા MEMU ટ્રેન વરેઠા સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે ઉપડશે અને સવારે 10:45 વાગ્યે વટવા પહોંચશે.

  • વરેઠા: પ્રસ્થાન 06:15 વાગ્યે
  • મહેસાણા: 07:18 વાગ્યે
  • કલોલ: 08:12 વાગ્યે
  • ગાંધીનગર કેપિટલ: 08:43 વાગ્યે
  • ચાંદખેડા રોડ: 09:05 વાગ્યે
  • સાબરમતી: 09:28 વાગ્યે
  • અમદાવાદ: 10:05 વાગ્યે
  • મણિનગર: 10:20 વાગ્યે
  • વટવા: આગમન 10:45 વાગ્યે

અમદાવાદ શહેરમાં 4 સ્ટેશન પર સ્ટોપ

વટવા સુધી ટ્રેન લંબાવવાના પગલે વિસ્તૃત રૂટ પર ચાંદખેડા રોડ, સાબરમતી, અમદાવાદ અને મણિનગર રેલવે સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવ્યા છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી અમદાવાદ શહેરમાં આવનાર મુસાફરોને વધુ અનુકૂળ રેલ કનેક્ટિવિટી મળશે.

મધ્યવર્તી સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર

રેલવે વિભાગ દ્વારા વરેઠા અને ગાંધીનગર કેપિટલ વચ્ચેના મધ્યવર્તી સ્ટેશનોના સમયપત્રકમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી શરૂ કરતાં પહેલાં સુધારેલા સમયપત્રકની માહિતી મેળવી લેવાની અપીલ કરવામાં આવી છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચની રચના અંગેની માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી શકે છે.