Ahmedabad: ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્વમિંગ પૂલનો શહેરીજનો વ્યાપક રીતે લાભ લઈ શકે તે માટે શહેર મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ શહેરમાં કુલ 21 સ્વમિંગ પૂલ કાર્યરત છે. જેનો દરરોજ સરેરાશ 15 હજાર જેટલા લોકો લાભ લે છે.
AMC સંચાલિત તમામ સ્નાનાગરોમાં બાળકોની સ્પર્ધાત્મક પ્રતિયોગીતા માટે એડવાન્સ બેચ ચાલુ કરવામાં આવેલ છે. સ્વિમિંગ શીખવા આવતા 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે સાંજે 7:30થી 8:15 વાગ્યા સુધી તેમજ સ્વિમિંગના જાણકાર હોય તેમની 8:15 થી 9 વાગ્યા સુધી સ્પેશિયલ બેચ ચાલુ કરવામાં આવેલ છે. ઊનાળાની આકરી ગરમીમાં આવતા બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત તમામ લોકો માટે સ્નાનાગરમાં ORSની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
હાલ ઊનાળુ વેકેશનમાં સ્વમિંગ શીખવા આવનારા લોકોનો ધસારો હોવાથી વધુમાં વધુ નાગરિકો સ્વિમિંગનો લાભ લઈ શકે તે હેતુથી સ્નાનાગર વિભાગ દ્વારા વધારાની સ્વિમિંગ બેચ શરૂ કરવામાં આવેલ છે.
આ સિવાય, સ્વચ્છતા અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ અને તેનું સુપરવિઝન કરવામાં આવે છે. પાણીની ગુણવત્તા ચકાસવા માટે દરરોજ પાણીનું PH તેમજ ક્લોરીન લેવલ માપવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સ્નાનાગરોમાં મહિલાઓ અને બાળકો માટે ખાસ સુવિધા રાખવામાં આવેલ છે. મહિલાઓ માટે સવારની મિક્સ બેચ ચાલુ છે. AMCના કર્મચારીઓ, મહિલાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્નાનાગર ખાતાના નિવૃત કોચને કન્સેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન વિજેતાને સી-કાર્ડ બનાવી આપવામાં આવે છે.
પાણીનો બગાડ ન થાય તે માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે. સિઝન દરમિયાન દૈનિક તમામ બેચમાં 100થી વધુ લોકો લાભ લે છે. તમામ કોચ સ્ટાફની કામગીરી લાઈફ ગાર્ડ તેમજ કોચિંગની હોય છે.
કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નવા સ્વમિંગપૂલ તેમજ રીક્રિએશન સેન્ટર બનાવવામાં આવશે. એડવાન્સ બેચમાં આવતા સભ્યોને ઉત્તમ કક્ષાનું કોચિંગ આપીને તેઓ નેશનલ લેવલે મેડલ મેળવે તેવા પ્રયાસ કરવામાં આવે છે.ટૂંક સમયમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ કરવાની કામગીરી હાથધરેલ છે.
