વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ વિશેષઃ સુરત જિલ્લા પશુપાલન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી, 1.75 લાખ પશુઓની સારવાર અને 10.68 લાખ રસીકરણ

વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ નિમિત્તે સુરત જિલ્લા પશુપાલન વિભાગે પશુઓની સારવાર, રસીકરણ અને કલ્યાણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. વિભાગે 1.75 લાખ પશુઓની સારવાર અને 10.68 લાખ પશુઓનું રસીકરણ કરીને પશુપાલકોને વિવિધ યોજનાઓનો લાભ આપ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Oct 2026 12:00 AM (IST)Updated: Sun, 04 Oct 2026 12:00 AM (IST)
world-animal-welfare-day-special-story-surat-animal-husbandry-department-highlights-key-services

World Animal Welfare Day: પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માનવતા, સંરક્ષણ અને ક્રૂરતા નિવારણ માટે સમગ્ર વિશ્વમાં તા.4 ઓક્ટોબરે 'વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ'ની ઉજવણી થાય છે.

સુરત જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગામડાઓના પશુધન, રખડતા પશુઓ અને શ્વાનોની સુવિધા માટે પશુઓની આરોગ્ય સંભાળ, ઈમરજન્સી સારવાર અને રખડતા પ્રાણીઓના કલ્યાણ માટે પશુપાલન વિભાગ સક્રિય છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં દુધાળા પશુઓ જેમ કે ગાય, ભેંસ, ઘેંટા, બકરા અને અન્ય પાલતુ પશુઓ જેમકે ઘોડા, ગધેડા, શ્વાન, બિલાડી, ઊંટ તેમજ તમામ જાતના પક્ષીઓના કલ્યાણની વિવિધ કામગીરી કરવામાં આવે છે. જે માટે જિલ્લાના 11 તાલુકાઓમાં 21 પશુદવાખાના અને 25 પ્રાથમિક પશુસારવાર કેન્દ્રો, 71 કૃત્રિમ બીજદાન કેન્દ્રો સહિત ઘનિષ્ટ મરઘા વિકાસ ઘટક, પશુરોગ સંશોધન એકમ તેમજ પશુઓમાં થતી જટિલ બીમારીઓના નિદાન અને સારવાર માટે એક વિવિધલક્ષી પશુચિકિત્સાલય કાર્યરત છે.

પશુપાલન વિભાગની વિવિધ સંસ્થાઓ દ્વારા પશુઓની સારવાર, રસીકરણ, સ્વાસ્થ્ય રક્ષણ, ખસીકરણ તથા કૃત્રિમ બીજદાન જેવી સેવાઓ દ્વારા ઓલાદ સુધારણા, પશુસારવાર કેમ્પ, વંધ્યત્વ નિવારણ કેમ્પ અને પશુપાલન વિસ્તરણ શિબિરો સહિતની પશુ સંવર્ધન અને તે સાથે સંકળાયેલી અન્‍ય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

આ વિષે આંકડાકીય માહિતી આપતા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ.મયુર ભીમાણીએ જણાવ્યું કે, જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગત વર્ષે એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીમાં 1,75,739 પશુઓની સારવાર, 10,68,650 પશુઓનું રસીકરણ તથા 71,871 કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત 10 ગામ દીઠ 1 ફરતા પશુદવાખાના દ્વારા 21,897 પશુઓને ગામ સ્તરે જ સારવાર અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 12,079 ઘાયલ તથા બીમાર પશુઓને સ્થળ પર ઈમરજન્સી સારવાર પૂરી પાડવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં 175 પશુઆરોગ્ય મેળા યોજીને 14,429 પશુઓને તબીબી સુવિધા અપાઈ, જ્યારે 3,437 પશુઓનું ખસીકરણ અને 1,879 રોગ નિદાન સેમ્પલ ટેસ્ટિંગની કામગીરી કરાઈ હતી.

આ ઉપરાંત રાજ્ય સરકારના આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા પણ પશુપાલકોને આર્થિક રીતે પગભર કરવા માટે વિવિધ યોજનાઓનો સીધો લાભ પૂરો પાડવામાં આવે છે.

જેમાં ગત વર્ષે કરાયેલી કામગીરીનો અંદાજ આપતા નાયબ નિયામકે જણાવ્યું કે,

ગાય અને ભેંસના વિયાણ બાદ તેમની તંદુરસ્તી જાળવવા માટે ST, SC અને સામાન્ય વર્ગના કુલ 792 પશુપાલકોને રૂ.31,48,200ના ખર્ચે 150 કિલોગ્રામ સમતોલ દાણ વિનામૂલ્યે પૂરું પડાયું હતું.

એકીકૃત ઘાસચારા વિકાસ યોજના હેઠળ 33,143 બિયારણ મિની કિટ્સનું મફત વિતરણ,

પાવર ડ્રીવન ચાફકટર યોજના અંતર્ગત 141 લાભાર્થીઓને ચાફકટર ખરીદી પેટે રૂ.25,38,000ની સહાય

સેક્સ સોર્ટેડ સીમેન ડોઝથી કુત્રિમ બીજદાન હેઠળ રૂ.50ના રાહત દરે 5,592 સેક્સ સોર્ટેડ સીમેન ડોઝ

મરઘાં પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેન્ડ યોજના હેઠળ 360 લાભાર્થીઓને રૂ. 9,60,000નું સ્ટાઈપેન્ડ

100 બ્રોઈલર પક્ષી એકમ ફાર્મ હેઠળ 17 લાભાર્થીઓને 100 બ્રોઈલર પક્ષી ફાર્મ સ્થાપના માટે રૂ. 6,12,000ની સહાય આપવામાં આવી હતી.

સુરત જિલ્લા પશુપાલન વિભાગની ઉમદા કામગીરીથી અબોલ જીવો પ્રત્યેની દયા, યોગ્ય તબીબી સારવાર અને સંભાળ દ્વારા જ ગ્રામ્ય સમાજ અને પ્રકૃતિ વચ્ચે સાચું સંતુલન જાળવવાના પ્રયાસો વધુ સુદ્રઢ બન્યા છે.