Surat News: સુરત જિલ્લા કલેકટર અને ચુંટણી અધિકારી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત બાકી રહી ગયેલા, નામ કમી થઈ ગયેલા તેમજ 18 વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારોના નામ નોંધવા માટે 4 દિવસની ખાસ ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. ખાસ ઝુંબેશના દિવસોમાં નાગરિકો મતદાન મથકે જઈને ફોર્મ નંબર 6 ભરી મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે.
આગામી તા.11/10/2026, તા.18/10/2026, તા.25/10/2026 તથા તા.1/11/2026 એમ ચાર દિવસોમાં બૂથ લેવલ અધિકારીઓ (BLO) સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર હાજર હક્ક-દાવાઓ સ્વીકારશે. જેથી કોઈ પણ મતદારો મતદારયાદીમાં નામ દાખલ કરવા તથા જરૂરી સુધારા કરાવવા માટે મતદાન મથકોએ પુરાવાઓ સાથે અરજી કરી શકે છે.
સુરત જિલ્લાની 16 વિધાનસભાઓમાં હાલ 36,66,896 મતદારો છે. હાલમાં જિલ્લામાં 5113 મતદાન મથકો છે, જયારે બીએલઓની સંખ્યા પણ 5113 જેટલા છે. હજુ પણ અનેક નાગરિકોના નામ કમી થઈ ગયા હોય કે પ્રથમ વખત મતદાર બનવા પાત્ર થયા હોય, તેઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા આ ખાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જે નાગરિકોએ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય અથવા જેમના નામ કમી થઈ ગયા હોય તેઓ ફોર્મ નં. 6 ભરીને મતદારયાદીમાં નામ દાખલ કરાવી શકશે. કોઈપણ પૂછપરછ કે માર્ગદર્શન માટે જિલ્લા હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકાશે.
