Western Railway Special Trains 2026: પશ્ચિમ રેલવે દ્વારા સુરત-વલસાડથી પોતાના વતન જઇ રહેલા અને વતનથી પરત આવતા મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવા અને તેમને સરળતાથી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે વિશેષ ભાડા પર કુલ 7 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો સુરત, ઉધના, વલસાડ અને બાંદ્રા ટર્મિનસથી ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ અમદાવાદ તરફ દોડશે.
રેલવે દ્વારા આ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા સમયપત્રક મુજબ ટ્રેન નંબર 09023/09024 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 21 નવેમ્બરે બાંદ્રાથી સવારે 4:30 વાગ્યે ઉપડી એ જ દિવસે બપોરે 1:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત મુસાફરીમાં આ ટ્રેન 22 નવેમ્બરે અમદાવાદથી રાત્રે 2:30 વાગ્યે રવાના થશે. આ ટ્રેન સુરત, વલસાડ (વાપી), ભરૂચ અને વડોદરા સહિતના મહત્ત્વપૂર્ણ સ્ટેશનો પર હોલ્ટ કરશે.બીજી તરફ, ટ્રેન નંબર 05062/05061 વલસાડ-ગોરખપુર સ્પેશિયલ 21 નવેમ્બરે રાત્રે 10:10 વાગ્યે વલસાડથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 5:20 વાગ્યે ગોરખપુર પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 20 નવેમ્બરે બપોરે 2:35 વાગ્યે ગોરખપુરથી રવાના થશે.
બિહાર જતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા
બિહાર તરફ જતાં મુસાફરો માટે પણ રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેન નંબર 09073/09074 ઉધના-જયનગર ટ્રેન 22 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે ઉધનાથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 5:40 વાગ્યે જયનગર પહોંચશે. પરત ફરતી વેળાં ટ્રેન ૨૪ નવેમ્બરે સવારે ૦૯:૦૦ કલાકે ઉપડશે.આ ઉપરાંત, ટ્રેન નંબર 09071/09072 ઉધના-જયનગર ટ્રેન પણ 22 નવેમ્બરે બપોરે 1:00 વાગ્યે ઉધનાથી દોડશે અને ત્રીજા દિવસે સવારે 8:30 વાગ્યે જયનગર પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 24 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે જયનગરથી ઉપડશે. આ બંને ટ્રેનો ચલથાણ, બારડોલી અને વ્યારા થઈને દોડશે, જેથી દક્ષિણ ગુજરાતના મુસાફરોને પણ તેનો લાભ મળશે.
વલસાડથી દોડાવાશે આ ખાસ ટ્રેન
આ ઉપરાંત વલસાડ-દાનાપુર ટ્રેન 20 નવેમ્બરે રાત્રે 10:20 વાગ્યે વલસાડથી રવાના થશે અને રવિવારે સવારે 4:30 વાગ્યે દાનાપુર પહોંચશે. આ ટ્રેન નવસારી, ભેસ્તાન, ચલથાણ અને બારડોલી સ્ટેશનો પર રોકાશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 09161 ઉધના-રક્સૌલ સ્પેશિયલ 20 નવેમ્બરે બપોરે 2:00 વાગ્યે ઉધનાથી ઉપડશે અને રવિવારે રાત્રે 2:00 વાગ્યે રક્સૌલ પહોંચશે. આ સિવાય ટ્રેન નંબર 09345 ડૉ. આંબેડકર નગર-દાનાપુર સ્પેશિયલ 20 નવેમ્બરે સાંજે 6:00 વાગ્યે ઉપડશે અને રવિવારે રાત્રે 8:45 વાગ્યે દાનાપુર પહોંચશે.
રેલવે દ્વારા જણાવ્યા અનુસાર, આ તમામ સ્પેશિયલ ટ્રેનોનું રિઝર્વેશન 20 નવેમ્બર 2026થી શરૂ થશે. મુસાફરો તમામ PRS રિઝર્વેશન કાઉન્ટર તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. દિવાળી વેકેશન દરમિયાન વતન જવા માંગતા મુસાફરો માટે આ વધારાની ટ્રેનો રાહતરૂપ સાબિત થવાની આશા છે.
