Surat Railway Station Rush: દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી કરવા ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના વતન ગયેલા પ્રવાસીઓ હવે ફરી સુરત તરફ પ્રયાણ કરી રહ્યા છે. તહેવારોની રજાઓ પૂર્ણ થતાં જ શ્રમિકો અને અન્ય મુસાફરો રોજગાર તથા વ્યવસાય માટે પરત ફરી રહ્યા છે, પરંતુ સુરત આવવા માટે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવી તેમના માટે મોટો પડકાર બની છે. તહેવારો દરમિયાન સુરતમાંથી અંદાજે ત્રણ લાખથી વધુ લોકો વતન ગયા હતા. હવે આ તમામ મુસાફરો એકસાથે પરત ફરી રહ્યા હોવાથી સુરત અને ઉધના આવતી ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
સ્લીપર ક્લાસમાં વેઇટિંગ લિસ્ટ લાંબું થઈ ગયું
નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીની રેલવે ટિકિટની ઉપલબ્ધતા પર નજર કરીએ તો યુપી અને બિહાર તરફથી આવતી અનેક ટ્રેનોના સ્લીપર ક્લાસમાં વેઇટિંગ લિસ્ટ લાંબું થઈ ગયું છે. કેટલીક ટ્રેનોમાં તો વેઇટિંગનો આંકડો 100ને પણ પાર કરી ગયો છે. પરિણામે મુસાફરોને પોતાની પસંદગીની તારીખે કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની રહી છે.
ઇટિંગનો આંકડો 112 સુધી પહોંચ્યો
રેલવેના બુકિંગ આંકડા પ્રમાણે તાપી ગંગા એક્સપ્રેસ (19046)માં 20 નવેમ્બરે વેઇટિંગ 101 અને 29 નવેમ્બરે 70 નોંધાયું છે. જ્યારે દાનાપુર-ઉધના એક્સપ્રેસ (20934)માં 22 અને 25 નવેમ્બર માટે વેઇટિંગનો આંકડો 112 સુધી પહોંચ્યો છે. બનારસ-ઉધના એક્સપ્રેસ (20930)માં 22 નવેમ્બરે 76 વેઇટિંગ છે. બીજી તરફ બનારસ-ઉધના સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ (20962)માં 25 નવેમ્બરની ટિકિટ માટે 61 મુસાફરો વેઇટિંગમાં છે.
લખનૌ-બાંદ્રા એક્સપ્રેસમાં પણ વેઇટિંગનો આંકડો 100 પહોંચ્યો
મહામના એક્સપ્રેસ (20904)માં પણ ટિકિટ મેળવવા માટે મુસાફરોને લાંબી રાહ જોવી પડી રહી છે. આ ટ્રેનમાં 19 નવેમ્બરે વેઇટિંગ 49 અને 26 નવેમ્બરે 78 દર્શાવવામાં આવ્યું છે. જ્યારે અવધ એક્સપ્રેસમાં ટિકિટ બુકિંગની સ્થિતિ 'રિગ્રેટ' સુધી પહોંચી ગઈ છે. લખનૌ-બાંદ્રા એક્સપ્રેસમાં પણ વેઇટિંગનો આંકડો 100ને વટાવી ગયો છે.
તહેવારો બાદ એકસાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સુરત પરત ફરી રહ્યા હોવાથી નિયમિત ટ્રેનોની ક્ષમતા સામે મુસાફરોની સંખ્યા વધી ગઈ છે. ખાસ કરીને શ્રમિક વર્ગને સમયસર કામધંધે પહોંચવાનું હોવાથી કન્ફર્મ ટિકિટ ન મળવાની સમસ્યા વધુ મુશ્કેલી સર્જી રહી છે. અલગ-અલગ તારીખે વેઇટિંગની સંખ્યામાં ફેરફાર થતો હોવા છતાં મોટા ભાગની ટ્રેનોમાં ટિકિટ મેળવવી સરળ રહી નથી.
ઉધના તરફ આવતી ટ્રેનોમાં વધારાના ફેરા શરૂ કરવાની માંગ
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુપી અને બિહારથી સુરત તથા ઉધના તરફ આવતી ટ્રેનોમાં વધારાના ફેરા શરૂ કરવાની માંગ ઊભી થઈ છે. જો રેલવે તંત્ર દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનો દોડાવવામાં આવે, તો વતનથી પરત ફરતા હજારો પ્રવાસીઓને રાહત મળી શકે છે. ખાસ કરીને તહેવારો બાદ સર્જાયેલી ભીડને નિયંત્રિત કરવામાં પણ સ્પેશિયલ ટ્રેનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
