Surat Couple trapped in lift: સુરત શહેરમાં બહુમાળી ઇમારતોમાં લિફ્ટ ખોટકાવાની ઘટના છાશવારે સામે આવતી હોય છે. વેસુના આભવા રોડ પર પણ આવી જ એક ઘટના બની છે, જ્યાં એક બિલ્ડિંગમાં 11 મા માળે લિફ્ટ ખોટકાતા એક દંપતી અંદાજે એક કલાક સુધી અંદર ફસાઈ ગયું હતું. લાઈટ-પંખા બંધ થઈ જવાથી અને મોબાઈલ નેટવર્ક ન હોવાથી દંપતીની હાલત કફોડી બની હતી. આખરે ફાયર વિભાગે ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો તોડીને દંપતિનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.
11 મા માળે લિફ્ટ ખોટકાઈ, દંપતી ફસાયું
મળતી માહિતી મુજબ, સુરતના વેસુ આભવા રોડ પર વેકેન્જા નામનું બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગના આઈ (I) વિભાગમાં 11 મા માળે કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે લિફ્ટ અચાનક ખોટકાઈ ગઈ હતી. આ બંધ લિફ્ટમાં આધેડ ઉંમરનું એક દંપતી ફસાઈ ગયું હતું. લિફ્ટ બંધ થતાની સાથે જ અંદરની લાઈટ અને પંખા પણ બંધ થઈ ગયા હતા. ગભરામણ અને શ્વાસ રૂંધાવાના કારણે દંપતીની હાલત અત્યંત કફોડી થઈ ગઈ હતી.
મોબાઈલ નેટવર્ક ન હોવાથી સંપર્ક તૂટ્યો
લિફ્ટની અંદર ફસાયેલા 58 અને 55 વર્ષીય દંપતીએ તાત્કાલિક મદદ મેળવવા માટે પોતાના મોબાઈલમાંથી ફોન કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લિફ્ટની અંદર મોબાઈલનું નેટવર્ક બિલકુલ ન આવતું હોવાથી તેઓ કોઈનો પણ સંપર્ક કરી શક્યા ન હતા અને વધુ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેઓ આશરે એક કલાક સુધી આ બંધ લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા.
ફાયર બ્રિગેડ દ્વારા 15 મિનિટમાં રેસ્ક્યુ
એક કલાક સુધી અંદર ફસાયા બાદ દંપતીએ બૂમાબૂમ કરી હતી, જેનો અવાજ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડના કાને પડતા તેણે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ વેસુ ફાયર સ્ટેશનની ટીમ સબ ફાયર ઓફિસર કિશોર પટેલની આગેવાનીમાં તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફાયર વિભાગની ટીમે આધુનિક સાધનોનો ઉપયોગ કરીને માત્ર 15 જ મિનિટના ટૂંકા ગાળામાં લિફ્ટનો દરવાજો તોડ્યો હતો અને પતિ-પત્ની બંનેને સહી-સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. દંપતી સુરક્ષિત બહાર આવતા જ ત્યાં ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
