મયુર ઠક્કર, Surat News: સુરતમાં વધુ એક વખત લીફ્ટની અંદર લોકો ફસાઈ જવાની ઘટના સામે આવી છે. વેસુ કેનાલ રોડ પર લીફ્ટ ખોટકાઈ જતા 7 વર્ષના બાળક સહીત ૬ લોકો ફસાઈ ગયા હતા. બેઝમેન્ટમાં મોબાઈલમાં ટાવર નહી આવતા લીફ્ટની અંદર ફસાયેલા લોકોની હાલત કફોડી બની હતી બીજી તરફ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોચીને તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી મુજબ સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા ગેલોપીન કોમ્પ્લેક્સમાં આ ઘટના બની હતી. -3 બેઝમેન્ટમાં લીફ્ટ ટેકનીકલ કારણોસર ખોટકાઈ હતી આ દરમ્યાન લીફ્ટની અંદર 7 વર્ષનો બાળક, મહિલા સહીત કુલ 6 લોકો ફસાઈ ગયા હતા. લીફ્ટ બંધ પડી જતા અને બેઝમેન્ટમાં મોબાઈલમાં ટાવર પણ નહી આવતો હોવાથી તેઓ કોઈનો સંપર્ક પણ કરી શક્યા ન હતા અને લીફ્ટની અંદર બાળક સહિતના લોકોની હાલત કફોડી બની હતી. લીફ્ટની અંદર આ લોકો અંદાજીત 45 મિનિટ સુધી ફસાયેલા રહ્યા હતા.
અંદર ફસાયેલા લોકોએ બુમાબુમ કરતા ત્યાં એક વ્યક્તિએ અવાજ સાંભળ્યો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ સબ ફાયર ઓફિસર કિશોર પટેલ તેમજ વેસુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગની ટીમે 15 મિનીટની અંદર જ લીફ્ટનો દરવાજો તોડીને અંદર ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
