Surat News: સુરતના પ્રવાસીઓ અને વેપારી વર્ગ માટે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં બંધ કરવામાં આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-શારજાહ-સુરત ફ્લાઈટ આગામી 25 ઓક્ટોબરથી વિન્ટર શિડ્યૂલ અંતર્ગત ફરીથી ઉડાન ભરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ એટલે કે બુધવાર, શુક્રવાર અને રવિવારે નિયમિત સેવા આપશે, જેના કારણે સુરતીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ગલ્ફ દેશોમાં વસવાટ કરતા સુરતી પરિવારો અને ડાયમંડ-ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ માટે આ રૂટ હંમેશાંથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને નાગરિકોની લાંબી માંગણી બાદ ફેબ્રુઆરી 2019માં સુરત એરપોર્ટ પરથી સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ઉડાન તરીકે સુરત-શારજાહ ફ્લાઈટનો પ્રારંભ થયો હતો. જોકે, સાત વર્ષની સફળ સેવા બાદ ગત સમર શિડ્યૂલ દરમિયાન આ મહત્ત્વની સેવા અચાનક બંધ કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં આ ફ્લાઈટ માર્ચ મહિનામાં બંધ થવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ મધ્યપૂર્વની યુદ્ધજન્ય પરિસ્થિતિ અને હવાઈ ક્ષેત્રની અસરોને કારણે 27 ફેબ્રુઆરીના રોજ જ આ રૂટની અંતિમ ફ્લાઈટે ઉડાન ભરી હતી.
આ પણ વાંચો
આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા અચાનક બંધ થવાથી વેપાર, પ્રવાસન તેમજ પારિવારિક મુલાકાતોને માઠી અસર પહોંચી હતી, જેને લઈને શહેરીજનો અને પ્રવાસીઓમાં ભારે નારાજગી વ્યાપી હતી. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ'ના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને વિશાળ જનસમુદાય દ્વારા આ સેવાને પુનઃ શરૂ કરવા માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામ સકારાત્મક પ્રયાસો અને લોકલાગણીને ધ્યાનમાં લઈને આખરે એર ઇન્ડિયા એક્સપ્રેસે આગામી 25 ઓક્ટોબરથી સુરત-શારજાહ રૂટ ફરી ધમધમતો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ફ્લાઈટ શરૂ થવાથી માત્ર પ્રવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપારિક સમુદાયને મોટો વેગ મળશે તેવી આશા સેવવામાં આવી રહી છે. આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ એટલે કે બુધવાર, શુક્રવાર અને રવિવારે નિયમિત સેવા આપશે, જેના કારણે સુરતીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
