Surat: વસ્તાદેવડી રોડ પર હૃદયદ્રાવક અકસ્માત; ઓવરટેક કરવા જતા મોપેડ થયું સ્લીપ, રોડ પર પડેલા યુવક પર ST બસનું ટાયર ફરી વળ્યું

મૃતક જશ બુંદેલા છાપરાભાઠાની જે. ઝેડ. શાહ કોલેજમાં BCA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 10 Feb 2026 02:55 PM (IST)Updated: Tue, 10 Feb 2026 02:55 PM (IST)
surat-vastadevdi-road-accident-cctv-st-bus-run-over-young-man-died
HIGHLIGHTS
  • સોમવારે સાંજે વસ્તાદેવડી રોડ પર એક અકસ્માત સર્જાયો
  • એસટી બસ નીચે આવી જતા 19 વર્ષીય યુવકનું મોત થયું
  • અકસ્માતની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ

Surat road accident: સુરત શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા માર્ગ અકસ્માતોની હારમાળામાં વધુ એક આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો છે. સોમવારે સાંજે વસ્તાદેવડી રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે.

બુંદેલા પરિવારે એકમાત્ર પુત્ર ગુમાવ્યો

આ બનાવમાં વસ્તાદેવડી રોડ પર પસાર થતી પસાર થતા યુવકની મોપેડ સ્લીપ થઈ હતી. મોપેડ સ્લીપ થતા BCA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 19 વર્ષીય વિદ્યાર્થી રોડ પર પડકાયો હતો. આ દરમિયાન બાજુમાંથી પસાર થતી ST વોલ્વો બસના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.   

BCA નો વિદ્યાર્થી હતો 19 વર્ષીય મૃતક 

બનાવની મળતી માહિતી મુજબ, મૃતક 19 વર્ષીય જશ બુંદેલા સુરતના જહાંગીરાબાદ ઊગત કેનાલ રોડ પર આવેલા સ્વીકોન વીંગ્સમાં રહેતા અને સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે કામ કરતા ગીરીશભાઈ તુલસીદાસ બુંદેલાનો પુત્ર હતો. તે છાપરાભાઠાની જે. ઝેડ. શાહ કોલેજમાં BCA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

મોપેડ સ્લીપ થતા રોડ પર પટકાયો 

સોમવારે સાંજે આશરે 4:30 વાગ્યાની આસપાસ જશ પોતાની કોલેજથી છૂટીને મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો. મહિધરપુરા વસ્તાદેવડી રોડ પર સોહમ રેસીડેન્સીના ગેટ પાસે જ્યારે તે પસાર થઈ રહ્યો હતો, આ દરમિયાન સામેથી એકાએક બાઇક આવી જતાં જશે બ્રેક મારી હતી, જેના કારણે મોપેડ રસ્તા પર સ્લીપ થઈ ગયું હતું.

ST બસનું ટાયર ફરી વળતા થયું મોત

સંતુલન ગુમાવતા જશ સીધો જ બાજુમાંથી પસાર થતી બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં જશને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોઓ તેને મૃત જાહેર કર્યો હતો.

બસ ચાલક સામે ગુનો, પોલીસ તપાસ શરૂ

જશ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. આ આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મહિધરપુરા પોલીસે આ મામલે બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.