Surat family Death: સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા વિસ્તરામાં એક અજીબ બનાવ બન્યો છે. હરિપુરા વિસ્તરામાં સોયશેરી-1 ના એક મકાનમાં રહેતા આખા પરિવારનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. આ પરિવારમાં પતિ, પત્ની અને બાળકનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
સમગ્ર પરિવારનું રહસ્યમય મોત
આ અંગે મળતી વિગત અનુસાર હરિપુરા વિસ્તારની સોયશેરી-1 ના એક મકાનમાંથી એક પુરુષ, એક મહિલા અને એક બાળકનો મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ત્રણેય પતિ-પત્ની અને પુત્ર છે. ત્રણેયના મોઢામાંથી ફીણ નીકળ્યા હતા. વધુમાં, ત્રણેય મૃતદેહ અલગ-અલગ રૂમમાંથી મળ્યા હતા.
સામૂહિક આત્મહત્યા અથવા ગૂંગળાવાથી મોત થયાની આશંકા
આ અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સામૂહિક આત્મહત્યાનો બનાવ હોઈ શકે છે. અથવા તો ઘરમાં ગૂંગળાવાથી પણ પતિ-પત્ની અને બાળકનું મોત થયું હોય તેવી આશંકા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવમાં ગેસ લીકેજ થવાથી પરિવારનું મોત થયું હોવાની શક્યતા છે.
આ પણ વાંચો: વસ્તાદેવડી રોડ પર ઓવરટેક કરવા જતા મોપેડ થયું સ્લીપ, રોડ પર પડેલા યુવક પર ST બસનું ટાયર ફરી વળ્યું
એક અઠવાડિયા પહેલા જ સાઉદી પરત ફર્યા
બીજી તરફ મૃતક પરિવાર અંગે પણ માહિતી સામે આવી છે. જેમાં 40 વર્ષીય પિતા ફૈઝ અહેમદ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે તેમની 35 વર્ષીય પત્ની મુબીના અહેમદ અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદ હોવાનું સામે આવ્યું છે. પરિવાર એક અઠવાડિયા પહેલા સાઉદીની યાત્રા કરીને પરત આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
મૃતકના પરિજને જણાવ્યું કે, મૃતક પુરુષ મારો ભત્રીજો છે. આજે સવારે જ્યારે મારો એક ભત્રીજો તેમના પુત્રને બોલાવવા ગયો ત્યારે આ બનાવ અંગે જાણ થઈ હતી. સૌપ્રથમ ઘરનો દરવાજો કોઈએ ખોલ્યો નહોતો. આથી અમે દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં અલગ અલગ ત્રણેયના મૃતદેહ મળ્યા હતા. પરિવારમાં કોઈ ઝઘડો કે અન્ય વિખવાદ નહોતો.
ગેસ લીકેજના કારણે મોત થયાની આશંકા
આ અંગે DCP રાઘવ જૈને જણાવ્યું કે, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપુરામાં એક મકાનમાંથી 3 મૃતદેહ મળ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતદેહ પતિ-પત્ની અને તેમના દીકરાનો છે, તેમના મોઢામાંથી ફીણ નીકળતા હતા. અલગ અલગ ફોરેન્સિક એક્સપર્ટ સાથે વાત કરી તપાસ કરી રહ્યા છે, પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ લીકેજ થવાના કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે. કારણ કે ઘરમાં AC અને ગીઝર કોમન એરિયામાં લાગેલા હતા, રૂમમાં અંદર જતા ત્યાં થોડું સફોકેશન પણ હતું.
"મારી ફોરેન્સિક એક્સપર્ટ સાથે પણ વાત થઇ, ગેસ લીકેજના કારણે જ આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરિવારના મૃત્યુનું કારણ જલ્દી જાણવાનો પ્રયાસ કરવામાં આવશે." -- DCP રાઘવ જૈન
ફોરેન્સિક એક્સપર્ટને થયો સફોકેશનનો અનુભવ
DCP રાઘવ જૈને વધુમાં જણાવ્યું કે, આ બનાવ અંગે સવારે 10 વાગ્યાના અરસામાં જાણકારી મળી હતી અને એક્સપર્ટના મતે તેમનું મૃત્યુ થયાને 7 થી 8 કલાક થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દરવાજા અને બારી ખોલી નાખવામાં આવ્યા હતા. આથી ત્યાં સફોકેશન કેટલું હતું તેનો અંદાજ હાલમાં નથી. ફોરેન્સિક એક્સપર્ટે કહ્યું કે રૂમમાં પ્રવેશતા સફોકેશન અનુભવ થયો હતો. હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
