Surat Udaipur Vande Bharat Express: ગાંધી જન્મજયંતિ (2 ઓક્ટોબર)ના પવિત્ર દિવસે દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ હબ સુરતને તેની પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. સુરતથી સીધી ઉદયપુરને જોડતી આ સેમી-હાઇસ્પીડ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે લીલીઝંડી બતાવીને રવાના કરી હતી.
આગામી 4 ઓક્ટોબરથી આ ટ્રેન તેના નિયમિત સમયપત્રક મુજબ પાટા પર દોડશે, જેનાથી સુરત અને ઉદયપુર વચ્ચેનું અંતર માત્ર 7 કલાક અને 30 મિનિટમાં કાપી શકાશે.
ટ્રેન નંબર 26903/20904 સુરત-ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. 8 કોચ ધરાવતી આ સેમી હાઈસ્પીડ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે લીલીઝંડી બતાવીને રવાના કરી હતી.
આ ટ્રેનની વિશેષતા એ છે કે, સુરતના વેપારીઓ અને નાગરિકો સવારે વંદે ભારત મારફતે અમદાવાદ કે ઉદયપુર જઈને દિવસભરનું કામ પતાવીને રાત્રે 11 વાગ્યા સુધીમાં સુરત પરત ફરી શકે તેવી ઉત્તમ સુવિધા ગોઠવવામાં આવી છે.
મુસાફરી દરમિયાન બંને રાજ્યોના મહત્ત્વના વેપારી અને ધાર્મિક કેન્દ્રો પર ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યા છે, જેનાથી વેપારીઓ ઉપરાંત શામળાજી જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે.
આધુનિક 'કવચ' સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક દરવાજા, GPS આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને આકર્ષક બેઠક વ્યવસ્થાથી સજ્જ આ સ્વદેશી ટ્રેન શરૂ થવાથી સુરત અને રાજસ્થાન વચ્ચે બિઝનેસ તેમજ ટૂરિઝમ કનેક્ટિવિટીને નવો વેગ મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે, એક સમય હતો જ્યારે રેલવે પ્રવાસ ખૂબ કષ્ટદાયક, ટ્રેનોમાં ભારે ગંદકી, સ્પીડ નહોતી. જો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવે તંત્રનું ચિત્ર બદલાયું છે. આજે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે લોકોને વિદેશમાં મુસાફરી કરતા હોવાનો અહેસાસ થાય છે.
સુરતના લોકોએ ક્યારેય સુરતથી ઉદયપુર માટે વંદે ભારત માગી નહોતી, છતાં વડાપ્રધાન મોદીએ લોકોની જરૂરિયાત સમજીને આ ભેટ આપી છે. આ માટે તેમણે વડાપ્રધાન અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો તેમજ વલસાડ-સુરત મેમુ ટ્રેનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અંતમાં તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરી છે, ત્યારે આ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને ટ્રેનો ક્યારેય ખાલી ન જાય તેની કાળજી રાખવાની જવાબદારી આપણા સૌની છે.
ગુજરાત રાજસ્થાનના 9 સ્ટેશને સ્ટોપેજ
સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મણીનગર, અસારવા, હિમંતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, જાવર અંતિમ સ્ટેશન ઉદયપુર સિટી
ટ્રેનનું સમય અને ભાડુ
ટ્રેન નંબર 26903: સુરતથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને બપોરે 1.40એ ઉદયપુર પહોચશે
ટ્રેન નંબર 26904: ઉદયપુરથી બપોરે 3.35 વાગ્યે ઉપડીને રાતે 11 વાગ્યે સુરત પહોચશે
ટિકિટના ભાવ
AC ચેર કાર (CC): 1,515
એક્ઝિક્યુટિવ ચેર કાર (EC): 2,720
