Surat Udaipur Vande Bharat Express: રેલવે બોર્ડ દ્વારા ગુજરાત અને રાજસ્થાનના મુસાફરો માટે એક મોટી ભેટ આપવામાં આવી છે. બંને રાજ્યો વચ્ચે રેલ સંપર્કને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે સુરત અને ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 26903/26904) શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા સંચાલિત આ સેમી-હાઇ-સ્પીડ ટ્રેનની નવરાત્રી અને આગામી દિવસોમાં નિયમિત સેવાઓ શરૂ થવા જઈ રહી છે.
ટ્રેનનું ટાઈમ ટેબલ
સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેન અંદાજે 690 કિલોમીટર જેટલું લાંબું અંતર માત્ર 7 કલાક અને 30 મિનિટમાં કાપશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જ્યારે માત્ર મંગળવારે મેન્ટેનન્સના કારણે તેની સેવા બંધ રહેશે.
સુરતથી ઉદયપુર (ટ્રેન નંબર 26903): આ ટ્રેન સવારે 6:10 વાગ્યે સુરતથી પ્રસ્થાન કરશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે.
ઉદયપુરથી સુરત (ટ્રેન નંબર 26904): પરત ફરતી વખતે આ ટ્રેન બપોરે 3:35 વાગ્યે ઉદયપુરથી રવાના થઈને રાત્રે 11:00 વાગ્યે સુરત પરત ફરશે.
ઉદ્ઘાટન અને નિયમિત સેવાઓનો પ્રારંભ
પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલા શિડ્યુલ મુજબ આ નવી ટ્રેનનું સંચાલન બે ચરણમાં થશે.
ઉદ્ઘાટન પ્રવાસ (2 ઓક્ટોબર 2026): આ ટ્રેનનો ઔપચારિક શુભારંભ 2 ઓક્ટોબર 2026ના રોજ સુરત રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન (નંબર 09103) તરીકે થશે.
નિયમિત સેવા (4 ઓક્ટોબર 2026થી): મુસાફરો માટે નિયમિત સેવા 4 ઓક્ટોબર 2026થી ટ્રેન નંબર 26903/26904 તરીકે શરૂ કરી દેવામાં આવશે.
11 મુખ્ય સ્ટોપેજ
આ સેમી-હાઇ-સ્પીડ ટ્રેન ગુજરાત અને રાજસ્થાનના મહત્વપૂર્ણ શહેરો અને વેપારી કેન્દ્રોને જોડશે. આ રૂટ પર કુલ 11 સ્ટેશનો પર તેનું રોકાણ રહેશે.
- સુરત (Surat)
- ભરૂચ (Bharuch)
- વડોદરા (Vadodara)
- આણંદ (Anand)
- મણિનગર (Maninagar)
- અસારવા (Asarva)
- હિંમતનગર (Himmatnagar)
- શામળાજી રોડ (Shamlaji Road)
- ડુંગરપુર (Dungarpur)
- જાવર (Jawar)
- ઉદયપુર સિટી (Udaipur City)
વેપારીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો
અગાઉ ચાલતી ઉદયપુર સિટી–અસારવા (અમદાવાદ) વંદે ભારત ટ્રેનનો જ વિસ્તાર કરીને હવે તેને સુરત સુધી લંબાવવામાં આવી છે. ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે સીધી વંદે ભારત ટ્રેન શરૂ થવાથી ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ તેમજ વીકેન્ડ કે રજાઓમાં ફરવા જનાર પ્રવાસીઓનો કિંમતી સમય બચશે અને મુસાફરી અત્યંત આરામદાયક બનશે.
