ગુજરાતમાં UCC લાગુ: રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ લગ્ન, સંપત્તિ અને લિવ-ઇનમાં બદલાશે આ નિયમો

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા બિલની રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. જે બાદ ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજુ એવું રાજ્ય બની ગયું છે, જ્યાં UCC લાગુ થઈ ગયું હોય. આ નવો કાયદો લગ્ન, છૂટાછેડા, લિવ ઈન રિલેશનશિપ અને વારસાઈ સંપત્તિના હક્ક સબંધિત નિયમોમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 Oct 2026 03:32 PM (IST)Updated: Fri, 02 Oct 2026 03:32 PM (IST)
uniform-civil-code-approved-in-gujarat-president-grants-assent-to-ucc-bill
CM-Bhupendra-Patel-Canada-Deligation-1786242978089.webp

Gujarat Uniform Civil Code Bill: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા અર્થાત યુનિફોર્મ સિવિલ કોડ (Gujarat UCC Bill)ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.

ગુજરાત સરકાર દ્વારા નિયમોની સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ આજે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ કાયદો હવે સમગ્ર રાજ્યમાં લાગુ થઈ જશે. આ સાથે જ ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજુ એવું રાજ્ય બની ગયું છે, જ્યાં UCCને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હોય.

લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન રિલેશનશિપના કાયદામાં ધરખમ ફેરફાર


રાષ્ટ્રપતિ દ્વારા 17 સપ્ટેમ્બર 2026ના રોજ મંજૂરી આપ્યા બાદ 1 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાત સરકારના ગેઝેટમાં Gujarat Uniform Civil Code, 2026' કાયદો સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઈન રિલેશનશિપને લગતા નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે

લગ્ન અને છૂટાછેડાના નિયમોઃ

નવા કાયદા મુજબ લગ્ન માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ પૂરી થયેલી હોવી ફરજિયાત છે. બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે; એટલે કે લગ્ન સમયે કોઈપણ પક્ષના અન્ય જીવનસાથી હયાત ન હોવા જોઈએ. ગુજરાતમાં થતા કોઈપણ લગ્નની નોંધણી 60 દિવસની અંદર રજિસ્ટ્રાર સમક્ષ કરાવવી ફરજિયાત રહેશે.

છૂટાછેડા અથવા લગ્ન રદ થયા પછી, કોઈપણ વ્યક્તિ પોતાના અગાઉના જીવનસાથી સાથે ફરીથી લગ્ન કરી શકશે. આ પુનર્લગ્ન માટે અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા જેવી કોઈ પૂર્વશરત (જેમ કે હલાલા પ્રથા) લાગુ પડશે નહીં.

લિવ-ઈન રિલેશનશિપ માટે કડક કાયદો

રાજ્યમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ સંબંધિત વિગતો સાથેનું નિવેદન ફરજિયાતપણે નોંધાવવાનું રહેશે. લિવ-ઈન સંબંધમાંથી જન્મ લેનાર બાળકને કાયદેસરનું ગણવામાં આવશે.

જો કોઈ યુગલ નોંધણી કરાવ્યા વિના એક મહિનાથી વધુ સમય લિવ-ઈનમાં રહેશે, તો તેઓને મેજિસ્ટ્રેટ દ્વારા 3 મહિના સુધીની જેલની સજા અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ કે પછી બંને થઈ શકે છે.

જો કોઈ મહિલાને તેનો લિવ-ઈન પાર્ટનર તરછોડી દે, તો તે મહિલા ભરણપોષણ મેળવવા માટે હકદાર ગણાશે.

વારસાઈ અને સંપત્તિ અધિકાર
કોઈ વ્યક્તિનું વસિયત વગર મૃત્યુ થાય તેવા સંજોગોમાં સંપત્તિની વહેંચણી માટે સમાન નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ક્લાસ-1 વારસદારોમાં મૃતકની પત્ની અથવા પતિ, તેમજ તેમના પુત્ર અને પુત્રીને હિસ્સા માટે સમાન નિયમ હેઠળ ગણતરીમાં લેવામાં આવશે.


કાયદામાંથી કોને બાકાત રખાયા છે
આ નવો કાયદો ભારતના બંધારણ મુજબની અનુસૂચિત જનજાતિઓ (Scheduled Tribes) ના સભ્યો પર લાગુ થશે નહીં. આ ઉપરાંત જે લોકોના રિવાજી હકોબંધારણના ભાગ XXI હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા છે, તેમને પણ આ કોડના અમલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, ગત 24 માર્ચ, 2026ના રોજ ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું હતુ. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંતર્ગત કાયદાની દ્રષ્ટિએ સૌ કોઈ સમાન ગણાય છે. લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસાઈ હક્કો જેવી બાબતોમાં સૌ કોઈ માટે એકસમાન જોગવાઈઓ અમલી બનશે. જો કે આદિવાસી સમુદાયને કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.