ED Action Ahmedabad: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ ઝોનલ ઑફિસે બેંક ફ્રોડ (Electrotherm Bank Fraud) સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં મેસર્સ ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ (EIL) સામે મોટી કાર્યવાહી કરી છે. જે અંતર્ગત કંપનીની રૂ. 43.65 કરોડની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી છે.
ED દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં યસ બેંકમાં આવેલા EIL કંપનીના બે ખાતામાં રહેલ રૂ. 25.08 કરોડની રોકડ ઉપરાંત કંપનીના પ્રમોટરો પાસે રહેલા 13.57 લાખ શેર સામેલ છે, જેની કિંમત 18.57 કરોડ આંકવામાં આવી છે.
EDની આ કાર્યવાહી બેંક ઑફ ઈન્ડિયા (BOI)ની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવેલી FIRના આધારે કરવામાં આવી છે. જેમાં ED દ્વારા PMLA હેઠળ તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ 2007 થી 2013 દરમિયાન બેંકમાંથી મેળવવામાં આવેલી લોનનો ઉપયોગ પોતાના બિઝનેસના વિસ્તરણ કરવાની જગ્યાએ અન્ય હેતુ માટે કર્યો હતો. જેનાથી બેંકને રૂ. 81.97 કરોડનું નુકસાન થયું હતુ.
અગાઉ જાન્યુઆરી 2025માં પણ PMLA 2002 અંતર્ગત EIL કંપની અને તેના પ્રમોટરોના ઠેકાણે સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતુ. જેમાં 38.32 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી. આજની કાર્યવાહી સાથે જ આ કેસમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો રૂ. 81.97 કરોડ પર પહોંચી ચૂક્યો છે. હજુ પણ ED દ્વારા આગળની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
