Surat Accident News: સુરતના પોશ વિસ્તાર સિટી લાઈટ રોડ પર આવેલા SBI સર્કલ નજીક એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. રસ્તા પરથી પસાર થતી બે કાર વૃક્ષ નીચે આવી જતાં ભારે નુકસાન થયું હતું. જેમાં વેગનઆર કારમાં સવાર ડ્રાઈવર સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, સિટી લાઈટ રોડ પર વાહનોની અવરજવર ચાલી રહી હતી તે દરમિયાન અચાનક મહાકાય વૃક્ષ તૂટી પડ્યું હતું. વૃક્ષનો ભારે ભાગ રસ્તા પરથી પસાર થઈ રહેલી બે કાર પર પડ્યો હતો. જેમાં એક વેગનઆર અને એક બલેનો કારનો સમાવેશ થાય છે. વૃક્ષનો મુખ્ય અને વજનદાર હિસ્સો વેગનઆર કાર પર પડતાં તેની છત દબાઈ ગઈ અને કારને ભારે નુકસાન થયું હતું.
બીજી તરફ, નજીકમાંથી પસાર થઈ રહેલી બલેનો કારને પણ વૃક્ષ પડતા સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત સમયે વેગનઆર કારમાં ડ્રાઈવર સહિત ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. વૃક્ષનો ભારે ભાગ કાર પર પડતાં તેની છત દબાઈ ગઈ અને ચારેય મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. આ દરમિયાન તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
સ્થળ પર પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત અંગેનો કોલ મળતા જ સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વૃક્ષ ધરાશાયી થતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ફાયર વિભાગના જવાનોએ કટર મશીનની મદદથી વૃક્ષની મોટી ડાળીઓ કાપી અને દબાયેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ અઠવા ઝોનના બાગ ખાતાના હોર્ટિકલ્ચર સુપરવાઈઝર અક્ષય પટેલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. વૃક્ષના લાકડાનો કબજો બાગ ખાતાને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ રસ્તા પરથી વૃક્ષ અને ડાળીઓ હટાવી સંપૂર્ણ સફાઈ કરતા વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત થયો હતો.
