સુરતના કાપડ બજાર દિવાળી સુધી નોન-સ્ટોપ ધમધમશે, FOSTAનો દર રવિવારે પણ ટેક્સટાઈલ માર્કેટ ચાલુ રાખવાનો નિર્ણય

ફોસ્ટાએ દિવાળીની સીઝનને ધ્યાનમાં રાખીને 4 ઓક્ટોબરથી દિવાળી સુધી સુરતના કાપડ બજારો રવિવારે પણ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વેપારીઓને ફાયદો થશે અને ખરીદી માટે આવતા વેપારીઓને વધુ સમય મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 08:53 PM (IST)Updated: Tue, 29 Sep 2026 08:53 PM (IST)
surat-textile-markets-to-remain-open-on-sundays-until-diwali-fosta-decision

Surat Textile Market Diwali Sunday Opening: સુરત શહેર ટેકસટાઇલ હબ ગણાય છે, ત્યારે આગામી દિવાળીની સીઝનને ધ્યાને રાખીને ફોસ્ટા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 4 ઓક્ટોબરથી દિવાળી સુધી રવિવારે પણ માર્કેટ ચાલુ રહેશે. 

આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી માટે સુરત આવે છે, ત્યારે ફોસ્ટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, દિવાળી સુધી રવિવારે પણ કાપડ માર્કેટો ચાલુ રાખવામાં આવશે.

આ સાથે જ આ દરમિયાન માલની અવર જવર પણ શરૂ રહેશે. જેથી વેપારીઓને પણ ફાયદો થશે અને ખરીદી માટે આવતા વેપારીઓને પણ વધુ સમય મળી રહેશે. આગામી 4 ઓક્ટોબરથી દિવાળી સુધી રવિવારે પણ શહેરની કાપડ માર્કેટો શરુ રહેશે.


ફોસ્ટાના મહામંત્રી દિનેશભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે, આગામી 4 ઓક્ટોબરથી લઈને દિવાળી સુધી રવિવારની રજા પણ કેન્સલ રાખવામાં આવી છે. કારણ કે પૂરા ભારતમાંથી વેપારીઓ આ સીઝનમાં સુરતમાં આવે છે. 30 થી 35 ટકા વેપાર આ પિરિયડમાં થાય છે અને આ બધી વાતોને જોઈને અને બહારગામના વેપારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે કે, 4 ઓક્ટોબરથી લઈને દિવાળી સુધી જે પણ રવિવાર આવે છે તે બધા રવિવારે માર્કેટ શરૂ રહેશે.

વધુમાં જણાવ્યું હતું કે, વેપારીઓની અંદર વેપાર કરવાનો ઉત્સાહ છે અને 200 ટ્રકો સુધી માલ જવાનો શરૂ થઈ ગયો છે અને તે વધીને દરરોજનો 300 થી 400 ટ્રકો થઈ જશે એવી આશા છે અને એવરેજ 300 થી 400 કરોડ રૂપિયાનો વેપાર થશે તેવી આશા છે.

આ સીઝનમાં સારા વેપારીઓ અને ઠગાઈ કરનારા આ બંને માર્કેટમાં હોય છે. હું વેપારીઓને અપીલ કરું છું કે, તમે પૂરી સતર્કતા અને જાગૃતતા રાખીને વેપાર કરજો કેમ કે નવા દલાલ અને નવા વેપારીઓની પૂરી માહિતી તમારી પાસે ન હોય તો વેપારના લાલચમાં ન પડવું.