Rajkot: મવડીમાં જૂની અદાવતમાં પાડોશી પર પાલતું જર્મન શેફર્ડ છૂટુ મૂકી હુમલો, હાથે-પગે બચકાં ભરીને યુવકને લોહીલુહાણ કરી નાંખ્યો; જુઓ VIDEO

રાજકોટના મવડી પ્લોટમાં જૂની અદાવતને કારણે એક પાડોશીએ પોતાના પાળેલા જર્મન શેફર્ડ કૂતરા અને લોખંડની સાંકળ વડે બીજા યુવક પર હુમલો કર્યો. આ હુમલામાં યુવકને કૂતરાના બચકાં અને સાંકળના પ્રહારથી ગંભીર ઈજાઓ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 07:19 PM (IST)Updated: Tue, 29 Sep 2026 07:19 PM (IST)
rajkot-news-man-severely-injured-after-neighbor-attacks-him-with-pet-german-shepherd

Rajkot German Shepherd Dog Attack: મવડી પ્લોટ ફાયરબ્રિગેડ સામે આવેલ અમરનગર શેરી નંબર 1માં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર તેના જ પડોશીએ પાળેલા જર્મન શેફર્ડ કૂતરા વડે હુમલો કરાવવાની અને કૂતરાને બાંધવાની લોખંડની સાંકળ વડે માર મારવાની ઘટના સામે આવી છે.

આ અંગે અમરનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 34 વર્ષીય કિશનભાઈ રમેશભાઈ મેવાડા નામના યુવકે માલવીયાનગર પોલીસ મથકમાં પોતાના જ વિસ્તારમાં રહેતા દીપ કૃષ્ણસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Rajkot: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એકાઉન્ટન્ટ સાથે ઓનલાઈન ઠગાઈ, બોગસ વેબસાઈટ થકી રૂ. 4.12 કરોડનું ફુલેકુ ફેરવ્યું

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે કિશનભાઈ પોતાના ઘર પાસે પોતાની રિક્ષા લઈને બેઠા હતા. આ સમયે પડોશમાં રહેતો આરોપી દીપ કૃષ્ણસિંહ જાડેજા પોતાનું પાળેલું જર્મન શેફર્ડ કૂતરૂ લઈને ત્યાં આવ્યો હતો.

'ક્રાઈમ બ્રાન્ચમાં મારી વાતો કરો છો..' કહી કૂતરા બાંધવાની સાંકળથી માર્યો

દીપે આવેશમાં આવીને કિશનભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને 'તમે ક્રાઈમ બ્રાન્ચમાં મારી વાત કરો છો. અગાઉ પણ મોબાઈલ બાબતે ખોટી રીતે હેરાન કર્યા હતા' તેમ કહી ઝઘડો કર્યો હતો. જે બાદ ઉશ્કેરાયેલા દીપે પોતાની પાસે રહેલી કૂતરાને બાંધવાની લોખંડની સાંકળ વડે કિશનભાઈને આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું.

માર મારવા ઉપરાંત આરોપી દીપે પોતાના હિંસક જર્મન શેફર્ડ કૂતરાને કિશનભાઈ પર છોડી મૂક્યો હતો. કૂતરાએ કિશનભાઈના શરીરે આડેધડ બચકાં ભરી લેતાં તેઓને ડાબા હાથે, જમણા હાથે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. સાંકળના પ્રહારથી કિશનભાઈના કપાળ અને જમણી આંખ પાસે પણ ગંભીર મૂઢ ઈજાઓ થઈ હતી.

કિશનભાઈ જેમતેમ કરીને બચીને પોતાના ઘરમાં ભાગી ગયા હતા, છતાં આરોપીએ તેમના ઘર પાસે આવીને તેમની પત્ની પૂનમબેન સાથે પણ બેફામ ગાળાગાળી કરી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી કૂતરા સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ બનાવ બાદ ઈજાગ્રસ્ત કિશનભાઈના પિતા રમેશભાઈએ તુરંત 112 અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશનભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.