Rajkot: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એકાઉન્ટન્ટ સાથે ઓનલાઈન ઠગાઈ, બોગસ વેબસાઈટ થકી રૂ. 4.12 કરોડનું ફુલેકુ ફેરવ્યું

રાજકોટમાં અલગ-અલગ પેઢીઓનું એકાઉન્ટ લખતા યુવકને શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂ. 4.12 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે. જેમાં આરોપીએ 'હેલો ટ્રેડર્સ' નામની બોગસ વેબસાઈટ થકી રોકાણ કરાવીને પૈસા ઉપાડવા જતાં સાઈટ બંધ કરી દીધી હતી. જે બાદ સમગ્ર મામલે પોલીસના ચોપડે ચડ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 06:49 PM (IST)Updated: Tue, 29 Sep 2026 06:49 PM (IST)
rajkot-news-stock-market-fraud-victim-scammed-of-rs-412-crore-in-online-investment-fraud

Rajkot Stock Market Fraud: રાજકોટમાં સાયબર ફ્રોડ અને શેરબજારમાં રોકાણના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક પાસે હિંમતનગર વિસ્તારમાં રહેતા અને અલગ-અલગ પેઢીઓના એકાઉન્ટ લખવાનું કામ કરતા 32 વર્ષીય યુવક મીતેષપરી રાજેશપરી ગોસાઈ સાથે શેરબજારમાં ટ્રેડિંગ કરી મસમોટો નફો કમાઈ આપવાની લાલચ આપી કૂલ રૂ. 4,12,33,665 ની ઠગાઈ આચરવામાં આવી છે.

આ અંગે ભોગ બનનાર યુવકે રાજકોટ શહેર પોલીસ સ્ટેશન હેઠળની આર્થિક ગુના નિવારણ શાખામાં મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતા મુખ્ય આરોપી નરેશભાઈ સેવકરામાણી તથા અન્ય વિવિધ બેંક ખાતાધારકો વિરૂૂદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 3(5) હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે.

વર્ષ 2021માં ફરિયાદી મીતેષપરી પોતાના બચતના નાણાંનું રોકાણ કરવા માટે સોશિયલ મીડિયા પર સંશોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક આરોપી નરેશ સેવકરામાણી સાથે થયો હતો. શરૂઆતમાં આરોપીએ વિશ્વાસ સંપાદિત કરવા માટે કોઈ પણ ચાર્જ કે કમિશન લીધા વગર ટ્રેડિંગ શીખવવાની ખાતરી આપી હતી.


ભોગ બનનારે પોતાના મિત્ર વર્તુળ પાસેથી ઉછીના નાણાં લઈને રોકાણ કર્યું

વર્ષ 2021 થી 2024 દરમિયાન ફરિયાદીને નાની નાની રકમોનું રોકાણ કરાવી ટ્રેડિંગનો અનુભવ કરાવ્યો હતો. જે બાદ વર્ષ 2024માં જ્યારે ફરિયાદીને ટ્રેડિંગમાં અનુભવ થયો, ત્યારે તેમણે પોતાના મિત્ર વર્તુળ પાસેથી નાણાં ઉછીના મેળવી મોટા પાયે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સમયે આરોપી નરેશભાઈએ ’હેલો ટ્રેડર્સ’ નામની ટ્રેડિંગ વેબસાઈટ પર રોકાણ કરવા માટે એજન્ટ તરીકે કમિશન માગ્યું હતું અને લોગઈન લિંક પૂરી પાડી હતી.


આ વેબસાઈટ પર લોગઈન આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા બાદ નાણાં ડિપોઝિટ કરવા માટે સાઈટ પર સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝ, પેસિફાય ઈન્ફ્રા પેમેન્ટ સોલ્યુશન, વિશબોટ સોફ્ટ ટેક, રામગ્સ ટેક અને માનકી એન્ટરપ્રાઈઝ જેવી નકલી પેઢીઓના બેંક ખાતાઓ તથા ક્યુઆર કોડ દર્શાવવામાં આવતા હતા. ફરિયાદી અલગ-અલગ સમયે તે ખાતાઓમાં રકમ જમા કરાવતા હતા અને તેના સ્ક્રીનશોટ આરોપીના વોટ્સએપ તથા સપોર્ટ નંબરો પર મોકલતા હતા, જેના આધારે તેમની આઈડીમાં પોર્ટલ પર બેલેન્સ સ્વરૂપે રકમ દર્શાવવામાં આવતી હતી.

વર્ષ 2024 થી ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળામાં ફરિયાદીએ પોતાના અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ. 6,35,48,834 જમા કરાવ્યા હતા, જેમાંથી આરોપીઓએ વળતર રૂપે રૂ. 4,23,15,169 પરત આપ્યા હતા. આમ મૂળ મૂડીના રૂ. 2,12,33,665 પરત આપવાના બાકી નીકળતા હતા.

તમામ નાણાં વિથડ્રો કરવાની ખાતરી આપીને સાઈટ બંધ કરી ફોન સ્વિચ ઑફ કરી દીધો

ગત તા. 02 ફેબ્રુઆરી 2026 ના રોજ ફરિયાદીના આઈડીમાં જમા થયેલ આશરે રૂ. બે કરોડનો નફો અને મૂળ મૂડી વિથડ્રો કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે સાઈટ પર એરર આવવા લાગી હતી. ફરિયાદીએ આ અંગે આરોપી નરેશભાઈનો સંપર્ક કરતા તેણે એક-બે દિવસમાં તમામ નાણાં વિથડ્રો કરી આપવાની ખાતરી આપી હતી.

જો કે ત્યારબાદ લોગઈન લિંક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી અને આરોપીએ ફરિયાદીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ રીતે આરોપીઓએ ફરિયાદીની રોકાણની મૂળ મૂડીના રૂ. 2,12,33,665 તથા નફાના રૂ. બે કરોડ મળી કુલ રૂ. 4,12,33,665 ની રકમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ મામલે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર ડી. એમ. હરીપરા દ્વારા આગળની ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે.