સુરતના સચીન GIDCમાં હિટ એન્ડ રન: 51 વર્ષીય આધેડને અડફેટે લઈ મોત નીપજાવનાર રિક્ષાચાલક ઝડપાયો

સુરતના સચીન GIDC રોડ નંબર-3 પર હિટ એન્ડ રનની ઘટનામાં 51 વર્ષીય આધેડને અડફેટે લઈ મોત નીપજાવનાર ફરાર ઓટોરિક્ષા ચાલક રાજન્દ્ર કુમાર પાલની પોલીસે ધરપકડ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 15 Nov 2026 12:10 PM (IST)Updated: Sun, 15 Nov 2026 12:10 PM (IST)
surat-sachin-gidc-hit-and-run-case-auto-rickshaw-driver-arrested-for-killing-51-year-old-man

Surat News: સચીન GIDC વિસ્તારમાં અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ઓટોરિક્ષા ચાલકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. રોડની સાઇડમાં ચાલીને જઈ રહેલા 51 વર્ષીય આધેડને પાછળથી ઓટોરિક્ષાએ જોરદાર ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ હિટ એન્ડ રનના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી સચીન GIDC પોલીસે અકસ્માતમાં વપરાયેલી ઓટો રિક્ષા સાથે આરોપીની ધરપકડ કરી છે.

રિક્ષાચાલકે આધેડને અડફેટે લીધા

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગત 11 નવેમ્બર, 2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે સચીન GIDCના રોડ નંબર-3 પર રાજકમલ ચોકડી નજીક આર.કે. હેલ્થકેર પ્રા.લિ. કંપનીની સામે આ અકસ્માત સર્જાયો હતો. દિનેશપ્રસાદ શ્યામદેવ સિંહ (ઉંમર 51 વર્ષ) રસ્તાની બાજુમાં ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી ઓટોરિક્ષાના ચાલકે દિનેશપ્રસાદને અડફેટે લીધા હતા.

આધેડનું સારવાર દરમિયાન મોત

રિક્ષાની ટક્કરથી દિનેશપ્રસાદ રોડ પર પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બે દિવસની સારવાર બાદ 13 નવેમ્બર, 2026ના રોજ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

રિક્ષા ચાલક સામે કાર્યવાહી શરુ

અક્સ્માત સર્જનાર રિક્ષાચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડવા સચિન જીઆઈડીસી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે રીક્ષા સાથે રીક્ષા ચાલક રાજન્દ્ર કુમાર લાલચંદ પાલ (ઉ.35) ને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા રીક્ષા ચાલક સામે સચિન જીઆઈડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.