Surat: શહેરના ખટોદરા વિસ્તારમાં ગત 5 ઓગસ્ટે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા ટેમ્પો ચાલકે મોપેડને અડફેટમાં લેતા નીચે પટકાયેલી સાયકોલોજીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતુ. આ મામલે ખટોદરા પોલીસે 25થી વધુ CCTV ફૂટેજ ચપાસીને ટેમ્પા ચાલકને ઝડપી પાડ્યો છે. જ્યારે દીકરીની યાદોને અમર રાખવા પરિવારે તેના ચક્ષુઓનું દાન કર્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના લંબે હનુમાન રોડ પર આવેલી નવજીવન સોસાયટી પાસે રહેતી સ્નેહા પ્રકાશભાઈ ઘોરી (22) સાયકોલોજી વિષયમાં માસ્ટર ડિગ્રી માટે ભણી રહી હતી. મનોચિકિત્સક બનવા માગતી સ્નેહા ગત 5 ઓગસ્ટના રોજ તે મોપેડ પર કોલેજ જઈ રહી હતી.
આ દરમ્યાન સિવિલ હોસ્પિટલ પાસે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધી હતી. અકસ્માતમાં સ્નેહાના શરીર પર વાહનનું ટાયર પણ ફરી વળ્યું હતું એટલું જ નહી કીડની અને લીવર પર ગંભીર ઈજાઓ થઇ હતી. જે બાદ ગંભીર હાલતમાં સ્નેહાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો.
ખટોદરા પોલીસની ટીમે આ કેસમાં 25થી વધુ CCTV ફૂટેજ તપસ્યા હતા અને આખરે ટેમ્પો ચાલક રામવિલાસ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે, તે ટેમ્પોમાં 500 નાળિયેર ભરીને પાલનપુર પાટિયા તરફ જઈ રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે ભેગા થયેલા લોકો માર મારશેના ડરથી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
એક તરફ વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અસહ્ય દુઃખ વચ્ચે પણ સ્નેહાના પરિવારે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. બે મહિના પહેલા જ સ્નેહાની આંખોનું નંબર ઉતારવાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. દીકરીના અચાનક અવસાન બાદ પરિવારે તેની યાદોને અમર રાખવા અને અન્ય કોઈના જીવનમાં અજવાળું પથરાય તે હેતુથી સ્નેહાના ચક્ષુઓનું દાન કર્યું હતું.
