Surat Suicide: સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ખાસ વાત એ છે કે, મૃતક યુવકના લગ્ન થયાને હજું માંડ એક જ મહિનો વીત્યો છે, ત્યાં તેણે અંતિમ પગલું ભરતા પત્નીના માથે આભ તૂટી પડ્યું છે.
હું દવા લઈને ઘરે આવી, ત્યારે પતિ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશનો વતની નંદલાલ સરોજ સુરતના સચિન GIDC વિસ્તારમાં પત્ની સાથે રહેતો હતો. નંદલાલના પરિવારની વતનમાં આવેલી જમીન મોટાભાઈએ ગીરવે મૂકી દીધી હતી. જેના કારણે માનસિક તણાવમાં રહેતા નંદલાલે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ મામલે મૃતકની પત્ની કરિશ્માએ જણાવ્યું કે, મારા આજથી એક મહિના પહેલા જ નંદલાલ સરોજ સાથે લગ્ન થયા હતા. મારા પતિના મોટાભાઈએ ખેતીની જમીન બીજાને ગીરવે મૂકી દીધી હતી. જેના કારણે બન્ને ભાઈઓ વચ્ચે ઉગ્ર ઝઘડો ચાલતો હતો. હું દવા લેવા માટે બજાર ગઈ હતી, જ્યાંથી પરત આવીને જોયું તો, પતિએ ફાંસો ખાઈ લીધો હતો.
