સુરત: પત્નીના અફેર અને આપઘાતનો આઘાત સહન ન થતાં પતિએ પણ ગળેફાંસો ખાધો, 3 દિવસમાં માતા-પિતા વિહોણા બન્યા બે માસૂમ બાળકો

સુરતમાં પત્નીના મોતના 3 દિવસ બાદ પતિએ પણ આપઘાત કર્યો. પત્ની અને સાથી કર્મચારીના મોત બાદ પતિ તણાવમાં હતો. માતા-પિતાના મોતથી બે માસૂમ બાળકોએ છત્રછાયા ગુમાવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 18 Sep 2026 03:49 PM (IST)Updated: Fri, 18 Sep 2026 03:49 PM (IST)
surat-husband-suicide-wife-affair-death-two-children-orphan

Surat News: સુરત શહેરમાં એક પરિણીતાએ તેના સાથી કર્મચારી સાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે આ બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બનાવના 3 દિવસ બાદ હવે પરિણીતાના પતિએ પણ આપઘાત કરીને જીવ ટૂંકાવી દીધું છે. 3 દિવસમાં માતા પિતાએ આપઘાત કરી લેતા તેમના બે સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.

મહિલાએ સાથી કર્મચારી સાથે આપઘાત કર્યો

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના વરાછા લાભેશ્વર ભવન પાસે રહેતા સિદ્ધાર્થ ખેરનાર સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરજ બજાવતા હતા.તેની 28 વર્ષીય પત્ની પણ સાફ સફાઈ નું કામ કરતી હતી. 3 દિવસ પહેલા મંગળવારે સવારે તે વરાછા વિસ્તારમાં સફાઈ કામ માટે ગઈ હતી અને બપોર સુધી ઘરે નહી આવતા પતિએ ફોન કર્યો હતો. ત્યારે કોઈ અન્ય વ્યક્તિએ ફોન ઉચક્યો હતો અને કહ્યું હતું કે, મહિલા અને એક યુવકે વરીયાવ બ્રિજ નીચે તાપી નદીના કિનારે સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક ઝેરી દવા પીધેલી હાલતમાં પડ્યા છે.

સારવાર દરમિયાન યુવકનું મોત થયું

ઘટનાની જાણ થતાં જ પતિ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ બંનેને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ પરેશભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉ.40) તરીકે થઈ હતી. બીજી તરફ મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું પણ મોત નીપજ્યું હતું.

પત્નીના અફેરથી પતિ તણાવમાં આવ્યો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક પરેશ અને પરિણીતા સાથે જ કામ કરતા હતા. તેમજ પરેશને 3 સંતાનો છે. જયારે પરિણીતાને 12 વર્ષના લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી છે. બીજી તરફ આજે પરિણીતાના પતિ સિદ્ધાર્થએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું છે. પત્નીના મોતના આઘાત વચ્ચે અફેરની વિગતો સામે આવતાં તે ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશનમાં આવી ગયો હતો.

તણાવમાં આવીને પતિએ આપઘાત કર્યો

પરિવારજનો તેને સતત સાંત્વના આપી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતના આઘાતને તે સહન કરી શક્યો નહોતો અને આખરે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. 3 દિવસની અંદર પહેલા માતા અને બાદમાં પિતાએ પણ આપઘાત કરી લેતા તેમના બે સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. સમગ્ર મામલે વરાછા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.