Nasirnagar Demolition: નાસિરનગરના વિસ્થાપિતોને હાલાકી યથાવત, હાઈકોર્ટના આદેશ બાદ મળેલા હૉલમાં સુવિધાઓનો અભાવ

નાસિરનગર ડિમોલિશન બાદ સુરત કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા ભરીમાતા કોમ્યુનિટી હૉલમાં સુવિધાઓના અભાવનો સામનો કરી રહેલા વિસ્થાપિતોએ સ્થાયી આવાસની માંગ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Jun 2026 05:39 PM (IST)Updated: Sat, 27 Jun 2026 05:39 PM (IST)
surat-news-nasirnagar-demolition-displaced-families-face-facility-shortage

Nasirnagar Demolition: સુરતના નાસિરનગર ડિમોલિશનના મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ મહાનગર પાલિકા દ્વારા અસરગ્રસ્તોને ભરીમાતા સ્થિતિ કોમ્યૂનિટી હોલ હંગામી ધોરણે વસવાટ કરવા માટે ફાળવવામાં આવ્યો છે. જો કે અહીં પણ લોકોએ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે.


ટૉઈલેટમાં નળ નથી, પીવા માટે પણ પાણી નથી મળતું

આ અંગે કોમ્યુનિટી હોલમાં રહેવા આવેલા અસરગ્રસ્ત સાબિરભાઈએ જણાવ્યું કે, ડિમોલિશનના 28 દિવસ બાદ મનપાએ અમને રહેવા માટે હોલ આપ્યો છે, પરંતુ અહિયાં ખૂબ જ ગંદકી છે. ટૉઈલેટમાં નળ પણ નથી. અમે સવારે 8 વાગ્યાથી અહીં આવી ગયા છીએ, પરંતુ હજુ સુધી પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. અમને કોઈ જોવા પણ નથી આવ્યું.

ગઈકાલે મનપાના 3 લોકો આવીને લેટર આપી ગયા હતા કે, ભરીમાતા રોડ પર આવેલા મનપાના હોલમાં આવી જાવ. અત્યાર સુધી અમે નાસિરનગરમાં ખુલ્લા આકાશ નીચે રહેતા હતા. જ્યાં સામાજિક સંસ્થાના આગેવાનો અમારા જેવાને મદદ કરતા હતા. NGO વાળા સવારે નાસ્તો અને જમવાનું આપી જતા હતા. જો કે અહીં આવી કોઈ સુવિધા જ નથી. અમારી એક જ માંગ છે કે, અમને ઘરના બદલે ઘર આપી દો.


અહીં અમને કોઈ જમવાનું પણ નથી પુછતું

અન્ય એક અસરગ્રસ્ત ફાતિમા બીબીએ જણાવ્યું કે, ગત 30 જૂનના રોજ પોલીસ અને સુરત કોર્પોરેશનના લોકોએ ડિમોલિશન કરીને અમારા ઘર તોડી નાંખ્યા હતા. હાલ અમે બધા બેઘર છીએ. અમે કેવી રીતે જીવીએ છીએ, તે કોઈ જોવા પણ નથી આવતુ.

હાઈકોર્ટના આદેશ બાદ હવે હોલની વ્યવસ્થા કરી આપી, પરંતુ અહીં કોઈ વ્યવસ્થા જ નથી. 26 દિવસ સુધી અમે બેઘર હતા, ત્યારે ગમે ત્યાંથી જમવાનું મળી રહેતું હતુ. જો કે અહીં જમવાનું તો છોડો પાણીની પણ સુવિધા નથી.