નાસિરનગર ડિમોલિશનમાં પીડિતોના પુનર્વસન મુદ્દે હાઈકોર્ટે માંગ્યો જવાબ, DCP નકુમની ભૂમિકા પર સવાલ; 28 સપ્ટેમ્બરે આગામી સુનાવણી

આ કેસની આગામી સુનાવણી હવે 28 સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 12 Sep 2026 11:51 AM (IST)Updated: Sat, 12 Sep 2026 11:51 AM (IST)
surat-nasirnagar-demolition-gujarat-high-court-hearing-dcp-nakum-investigation
gujarat high court

નાNasirnagar Demolition Case: નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે DCP નકુમની ભૂમિકા અને તપાસ પદ્ધતિ સામે આકરા પ્રશ્નો કર્યા હતા. હાઈકોર્ટે ટકોર કરી કે, ન્યાયિક પ્રક્રિયામાં તપાસ માત્ર નિષ્પક્ષ હોવી પૂરતી નથી, પરંતુ તપાસ સંપૂર્ણપણે તટસ્થ થઈ રહી છે તે દેખાવું પણ જોઈએ. આ કેસની આગામી સુનાવણી હવે 28 સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.

DCP સામે સ્વતંત્ર તપાસ અને નિષ્પક્ષતા પર સવાલ

આ સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી કે, સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના અને સરઘસ કાઢવાના પ્રકરણમાં DCP નકુમ વિરુદ્ધ સ્વતંત્ર તપાસ ચાલી રહી છે. આ તપાસમાં અધિકારી વિરુદ્ધ રિપોર્ટ આવી ગયો છે અને તે રિપોર્ટ હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ રજૂ કરવાનો બાકી છે.

સરકારે દાવો કર્યો હતો કે આ રિપોર્ટ સાબિત કરે છે કે વહીવટી તંત્ર કોઈ પણ પૂર્વગ્રહ વિના નિષ્પક્ષ પગલાં લેવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. જોકે, ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારી સામે તપાસ ચાલતી હોય ત્યારે તેમના જ તાબાના કર્મચારીઓ નિવેદન આપે તે સંજોગોમાં તપાસની પારદર્શિતા સામે સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

છેવાડાના કર્મચારી સુધી જવાબદારી નક્કી કરવા નિર્દેશ

આ સુનાવણી દરમિયાન સુરત મહાનગરપાલિકા વતી હાજર રહેતા એડવોકેટ જનરલ કેસમાંથી મુક્ત થયા હોવાની વિગત પણ સામે આવી હતી. આ અંગે હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવતા ટિપ્પણી કરી કે, આ મામલે સુરતના જે પણ કર્મચારીઓએ ગેરકાયદે કામ કર્યું હોય તેવા છેવાડાના કર્મચારીઓ સુધી કાયદાકીય જવાબદારી નક્કી થવી જોઈએ. સમગ્ર ઘટના કોઈ ચોક્કસ પૂર્વઆયોજિત ષડયંત્ર હતી કે પછી અમલદારોના વધુ પડતા ઉત્સાહનું પરિણામ, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે.

પીડિતોના પુનર્વસન અને આવાસો અંગે જવાબ માંગ્યો

અસરગ્રસ્તોનું પુનર્વસન કરવું એ સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક ફરજ હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું. પીડિત પરિવારોના પુનર્વસન અંગે SMC ને સવાલ કર્યો ત્યારે અરજદારોએ ફરિયાદ કરી કે, તંત્રએ ફાળવેલા આવાસ અત્યંત જર્જરિત અને ખરાબ હાલતમાં છે. જોકે, SMC તરફથી આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારવામાં આવ્યા અને પુરવાર કરવા ફોટોગ્રાફ્સ સાથે વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો દાવો હતો.

આ ઉપરાંત પીડિત પરિવાર વતી રજૂઆત કરવામાં આવી કે, તંત્ર દ્વારા શરૂઆતમાં તેમને જહાંગીરપુરા વિસ્તારમાં સારા અને રહેવાલાયક આવાસો બતાવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં વહીવટી તંત્રે અચાનક નિર્ણય બદલીને અન્ય વિસ્તારમાં રહેવા અયોગ્ય મકાન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાઈકોર્ટે તંત્ર સમક્ષ સ્પષ્ટતા માંગી કે હાલ પૂરતી પીડિતોને કોઈ ચોક્કસ વૈકલ્પિક છત મળી રહી છે કે નહીં, જ્યારે તે વ્યવસ્થા કાયમી ધોરણે કેવી અને કેટલી યોગ્ય છે તેનો આખરી નિર્ણય કોર્ટ આગળની સુનાવણીમાં કરશે.