Surat Crime News: સુરત SOG પોલીસને ડ્રગ્સ વિરોધી કામગીરીમાં મોટી સફળતા મળી છે. પાંડેસરાની સત્યમ ટાવર સોસાયટીના એક ફ્લેટમાં દરોડો પાડીને પોલીસે ₹70.19 લાખની કિંમતનો 140.390 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં SOG પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
પાંડેસરાના સત્યમ ટાવરમાં 140 કિલો ગાંજો જપ્ત
આ પણ વાંચો
સુરત SOG પોલીસની ટીમે પાંડેસરા વિસ્તારમાં પ્રમુખપાર્ક સોસાયટી પાસે આવેલા સત્યમ ટાવરના F બ્લોકના ફ્લેટ નંબર 2 માં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ફ્લેટમાંથી ₹70.19 લાખની કિંમતનો 140.390 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
SOG પોલીસની ટીમે ગાંજાનો આ સમગ્ર જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'નો ડ્રગ્સ ઈન સુરત સિટી' અભિયાન અંતર્ગત ચાલી રહેલી ડ્રાઈવમાં આ મોટી કાર્યવાહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 5 વર્ષમાં સુરત શહેરમાં ગાંજાનો આ સૌથી મોટો જથ્થો ઝડપાયો છે.
કેબલ નેટવર્કનો ધંધો કરતા રોહિત કામળે ઝડપાયો
રેડ દરમિયાન SOG પોલીસે રોહિત છોટુભાઈ કામળે નામના આરોપીની ધરપકડ કરી છે. જે ઘરમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો તે રોહિત કામળેનું હતું. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, આરોપી મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રહેવાસી છે. વધુમાં, તે કેબલ નેટવર્કના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
વધુમાં, પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં રોહિતે એક વોન્ટેડ આરોપી સાથે મળીને ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. ત્યારબાદ આ જથ્થો પોતાના ઘરે સંતાડી રાખ્યો હતો. આ ગાંજાનું ઔદ્યોગિક વિસ્તારમાં ગુપ્ત રીતે વેચાણ કરવાનું આયોજન હતું.
સન્ની ઉર્ફે સોનુની ધરપકડ, અન્ય 2 આરોપી વોન્ટેડ
આ કેસમાં સન્ની, દીપક અને વિશાલ નામના આરોપીઓ વોન્ટેડ હતા. આ પૈકી સન્ની ઉર્ફે સોનુને પોલીસે વહેલી સવારે ઝડપી પાડ્યો છે. આમ, ગાંજાના જથ્થા સાથે સંકળાયેલા કેસમાં અત્યાર સુધીમાં કુલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓ દીપક અને વિશાલને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
2 દિવસમાં NDPS એક્ટના 27 કેસ નોંધાયા
SOG DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેરમાં 'નો ડ્રગ્સ ઈન સુરત સિટી' અને 'ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ ડ્રગ્સ' અભિયાન અંતર્ગત ડ્રાઈવ યોજવામાં આવી છે. આ દરમિયાન છેલ્લા 2 દિવસમાં સુરત શહેરમાં પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ 27 કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે.
ડ્રગ્સના ગુનામાં સંડોવાયા તો હવે ખેર નથી!
DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, NDPS ના ગુનાઓમાં કડક સજાની જોગવાઈ છે. આ પ્રકારના ગુનામાં ઓછામાં ઓછી 20 વર્ષની સજાની જોગવાઈ છે અને જામીન મેળવવામાં પણ મુશ્કેલી પડે છે.
તેમણે લોકોને અપીલ કરી હતી કે પૈસા કમાવવાની લાલચમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર કે અન્ય પ્રવૃત્તિઓમાં સંડોવાવું નહીં. આવા ગુનાઓમાં સામેલ થવાથી વ્યક્તિનું જીવન બરબાદ થઈ શકે છે અને લાંબા સમય સુધી જેલમાં રહેવાનો વારો આવી શકે છે.
