સુરત: ઈચ્છાપોરમાં ગુમ મહિલાનો મૃતદેહ મળ્યો, ફોરેન્સિક PM રિપોટમાં ગળે ટૂંપો આપ્યાનો ખુલાસો

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 25 Nov 2026 11:14 PM (IST)Updated: Wed, 25 Nov 2026 11:14 PM (IST)
surat-missing-woman-found-dead-in-ichhapore-forensic-pm-report-reveals-strangulation

Surat News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં બે દિવસથી ગુમ 38 વર્ષીય મહિલાનો મૃતદેહ બસ સ્ટેન્ડ નંબર-3 પાસે નહેર કિનારેથી મળી આવ્યો છે. મહિલાના ગળા અને શરીર પર ઈજાના નિશાન હતા. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દોરી વડે ગળે ટૂંપો આપવાને કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. રવિવારે સાંજે ઘરેથી નીકળેલી મહિલા પરત ન ફરતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

મળતી વિગતો અનુસાર, સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મહિલા રવિવારે સાંજે પરિવારજનોને થોડીવારમાં પરત આવવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જોકે, મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતા ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી હતી.

મંગળવારે સવારે ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર-3 નજીક આવેલી હોટલ પાછળ નહેરના કિનારેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલાની ઓળખ થયા બાદ પોલીસે મૃતદેહને તપાસ અને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મહિલાના ગળા અને શરીરના ભાગે ઈજાના નિશાન જોવા મળતા પોલીસને શંકા ઊભી થઈ. આથી પેનલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના ગળા ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાના નિશાન મળી આવ્યા છે. પ્રાથમિક તારણ મુજબ દોરી વડે ગળે ટૂંપો આપવાને કારણે તેનું મોત થયું હતું. આ ઉપરાંત રિપોર્ટમાં મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તબીબો દ્વારા જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મ અંગેની વધુ હકીકત સ્પષ્ટ થશે.

મહિલાના પતિનું અગાઉ અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ ઈચ્છાપોરના હીરાબુર્સ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. માતાના અચાનક મોતથી ત્રણેય સંતાન નિરાધાર બન્યા છે. બીજી તરફ, વિવિધ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોત અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.