Ismail Darbar Mother Death Case: વર્ષ 2009માં સંગીતકાર ઈસ્માઈલ દરબારની માતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે સુરતની અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં આજે નામદાર કોર્ટે ડોક્ટરને તબીબી બેદરકારી બદલ કસૂરવાર ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે. જોકે, કોર્ટે આરોપીના જામીન પણ મંજૂર કરી દીધા છે. 17 વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડત બાદ આજે આ કેસનો ચુકાદો આવ્યો છે.
આ સમગ્ર કેસ અંગે માહિતી આપતા એડવોકેટ કેતન રેશમવાલાએ જણાવ્યું કે, કેસની હકીકત મુજબ 2009માં સંગીતકાર ઈસ્માઈલ દરબારના માતા જૈતુન બીબીને તાવ આવ્યો હતો, જેથી તેઓ ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી, આ દરમિયાન તેમને પીઠના ભાગે દુખાવો થતો હોવાથી ડોક્ટરને ફરિયાદ કરી હતી.
ત્યારે ત્યાં ડોક્ટર ડૉ. પરેશ ભજિયાવાલા, નર્સ ચંચુબેન અને ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલના રિસ્પોન્સિબલ ડોક્ટરોએ હીટ બેગની સારવાર આપવી ઉતમ સમજ્યું, પરંતુ હીટ બેગ યોગ્ય સમયે કાઢી ન હતી. ડોક્ટરોની બેદરકારીના કારણે તે હીટ બેગ આખી રાત ઓન અવસ્થામાં તેમની પીઠ પર રહી તેના કારણે જૈતુન બીબીને ગંભીર ઈજા થઈ અને તેમની ઈમ્યુનિટી પાવર સાવ ઓછો થઈ ગયો. બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
જૈતુન બીબીના મોતને લઈને ઈસ્માઈલ દરબારના પરિવાર અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ડૉ. પરેશ ભજીયાવાલા, નર્સ ચંચુબેન અને ગિરીશ ગ્રુપ હોસ્પિટલના જે પણ જવાબદાર ડોક્ટર હોય તેમના વિરુદ્ધ FIR કરાવી હતી. પોલીસે ડૉ. પરેશ ભજીયાવાલા અને નર્સ ચંચુબેન વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ટ્રાયલ દરમિયાન નર્સ ચંચુબેન ફરાર થઈ ગય, જેથી તેમના વિરુદ્ધ ટ્રાયલ ચાલી નથી. બીજી તરફ, ડો. પરેશ ભજિયાવાલા વિરુદ્ધ ટ્રાયલ ચાલી હતી અને આજે નામદાર કોર્ટે અમારા તરફથી જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તે માન્ય રાખ્યો છે. તેના આધારે આજે નામદાર કોર્ટે ડો. પરેશ ભજીયાવાલાને 2 વર્ષની સજા અને 1 હજાર રૂપિયા દંડનો આદેશ આપ્યો છે.
