રખડતા શ્વાનને સોસાયટીમાંથી દૂર કરવાની મંજૂરી આપો! ABC નિયમો સામે હાઈકોર્ટમાં કાનૂની લડત

અમદાવાદ નજીક સાંતેજની હાઉસિંગ સોસાયટીમાં 4 વર્ષની બાળકી પર રખડતા શ્વાનના હુમલા બાદ રહીશોએ ગુજરાત હાઈકોર્ટમાં એનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) નિયમોને પડકાર્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 24 Nov 2026 08:58 AM (IST)Updated: Tue, 24 Nov 2026 08:58 AM (IST)
santej-housing-society-challenges-abc-rules-in-gujarat-high-court-over-stray-dog-attack-on-4-year-old-girl

Gujarat High Court: રાજ્યભરમાં વધી રહેલા રખડતા શ્વાનના હુમલાના બનાવો વચ્ચે અમદાવાદ પાસે આવેલા સાંતેજની એક હાઉસિંગ સોસાયટીએ નાગરિકોની સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ કાનૂની લડત શરુ કરી છે. ગેટેડ સોસાયટીમાં 4 વર્ષની માસૂમ બાળકી પર રખડતા શ્વાન દ્વારા કરાયેલા જીવલેણ હુમલા પછી રોષે ભરાયેલા રહીશોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરીને પ્રાણી જન્મ નિયંત્રણના નિયમોની કાયદેસરતાને જ પડકારી છે.

શ્વાનપ્રેમીઓની જવાબદારી નક્કી કરવા માંગ

સાંતેજની ગ્લોરી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિં. દ્વારા કરાયેલી અરજીમાં અત્યંત મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. સોસાયટીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટમાં માંગણી કરી છે કે, જે પ્રાણી પ્રેમીઓ શ્વાનને ખોરાક ખવડાવે છે. જો તે શ્વાન કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરે તો ભોગ બનેલા વ્યક્તિને નુકસાનનું વળતર ચૂકવવાની બાયંધરી આા શ્વાનપ્રેમીઓ પાસેથી લેવામાં આવે,

બીજી માંગ એ કરી છે કે, પ્રાણી પ્રેમીઓ માટે રખડતા શ્વાનને દતક લેવાની એક ચોક્કસ યોજના બનાવવામાં આવે અને દત્તક લીધેલા શ્વાનને જાહેર રસ્તા કે સોસાયટીને બદલે તેમના ખાનગી માલિકીના ઘર કે કમ્પાઉન્ડમાં જ રાખવા નિર્દેશ આપવામાં આવે. ગેટેડ સોસાયટીમાંથી રખડતા શ્વાનને બહાર કાઢવાની મંજૂરી આપવામાં આવે.

4 વર્ષની બાળકીના ચહેરા પર ગંભીર ડાઘ

અરજદાર સોસાયટીએ કોર્ટ સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગત જુલાઈ મહિનામાં સોસાયટીના એક માળીની 4 વર્ષની પુત્રી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીના ચહેરા પર અત્યંત ખરાબ રીતે ડાઘ પડી ગયા છે અને તે હજુ પણ ઊંડા માનસિક આઘાતમાં છે. બાળકીની સર્જરી કરાવવા માટે સોસાયટીના સભ્યોએ ફંડ એકત્ર કર્યું હતું. સોસાયટીની દલીલ છે કે, સ્થાનિક નાગરિકોના જીવ બચાવવા માટે રખડતા શ્વાનને સોસાયટીમાંથી દૂર કરવા એ કોઈ પ્રાણી ક્રૂરતા નથી.

ABC નિયમો સામે હાઈકોર્ટમાં દલીલ

અરજીમાં એનિમલ બર્થ કન્ટ્રોલના નિયમ 11(8), 11(19) અને નિયમ-20 સામે સવાલ ઉઠાવાયા છે. આ નિયમો મુજબ પકડાયેલા શ્વાનને નસબંધી બાદ ફરી તે જ વિસ્તારમાં છોડવાના હોય છે અને રહેવાસીઓએ સોસાયટીમાં શ્વાન માટે ફીડિંગ સ્પોટ (ખોરાકની જગ્યા) બનાવવી પડે છે. સોસાયટીએ દલીલ કરી છે કે આ નિયમો ભારતીય બંધારણની કલમ 14, 19, 21 અને 300-A હેઠળ નાગરિકોને મળેલા જીવવાના અને સુરક્ષાના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. જે શ્વાન એકવાર કોઈ માણસને કરડી ચૂક્યું હોય, તેને ફરી તે જ વિસ્તારમાં છોડવાને બદલે ડોગ શેલ્ટર હોમમાં રાખવું જોઈએ.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટમાં વધુ સુનાવણી

આ મામલે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એમ.આર. પાઠક અને જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈની ખંડપીઠે નોંધ્યું હતું કે, રખડતા શ્વાનનો સમગ્ર મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને ટૂંક સમયમાં તેના પર ચુકાદો આવવાની શક્યતા છે. તેથી હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાખવાનું નક્કી કર્યું છે.