સુરત સ્મીમેર હોસ્પિટલના તબીબોની સારવારથી મેલેરિયા-ARDSના દર્દીને નવજીવન મળ્યું, દોઢ મહિના વેન્ટિલેટર પર રહ્યા બાદ દર્દીએ જાતે શ્વાસ લીધો

અત્યંત ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાંથી સ્મીમેરમાં લાવવામાં આવેલા દર્દીની સફળ સારવાર; વેન્ટિલેટર, ટ્રેકિયોસ્ટોમી અને સઘન સારવાર બાદ દર્દી હવે સ્વયં ચાલી-ફરી અને શ્વાસ લઈ રહ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Sep 2026 11:27 PM (IST)Updated: Thu, 03 Sep 2026 11:28 PM (IST)
surat-smimer-hospital-doctors-save-malaria-patient-after-45-days-on-ventilator-support

SMIMER Hospital Surat: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોની ટીમે અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયેલા મલેરિયા અને ARDSથી પીડિત દર્દીની દોઢ મહિના સુધી સઘન સારવાર કરી સફળતાપૂર્વક નવજીવન આપ્યું છે. વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા દર્દી હવે વેન્ટિલેટર વિના જાતે શ્વાસ લઈ રહ્યા છે તેમજ ચાલી-ફરી રહ્યા છે.

કલપેશ કપૂચંદ પાટીલ નામના દર્દીને થોડા દિવસોની સારવાર બાદ એક ખાનગી હોસ્પિટલમાંથી અત્યંત ગંભીર હાલતમાં સુરત સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગમાં રિફર કરવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હતી. દર્દી પોતાની જાતે બોલી કે ચાલી શકતા નહોતા અને બેભાન અવસ્થામાં હતા. મોઢામાં શ્વાસની નળી નાખવામાં આવી હતી અને દર્દીને સંપૂર્ણ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 

તબીબી તપાસ દરમિયાન દર્દીને મલેરિયા સાથે ARDS હોવાનું નિદાન થયું હતું. દર્દીના ફેફસાં અત્યંત નબળી સ્થિતિમાં હોવાથી તેઓ પોતાની જાતે પૂરતો શ્વાસ લઈ શકતા નહોતા. સાથે જ દર્દીનું બ્લડ પ્રેશર પણ જળવાઈ રહેતું ન હોવાથી તેને બ્લડ પ્રેશર જાળવવા માટે જરૂરી ઇન્જેક્શન અને અન્ય સઘન સારવાર આપવામાં આવી હતી.

સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગના ICUમાં દર્દીની લાંબા સમય સુધી સઘન સારવાર કરવામાં આવી. આશરે દોઢ મહિના સુધી દર્દીને વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને સતત તબીબી દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી. મલેરિયાની યોગ્ય દવાઓ સાથે શ્વાસોચ્છવાસ અને બ્લડ પ્રેશરને જાળવવા માટે જરૂરી સારવાર કરવામાં આવી.

લાંબી અને સઘન સારવાર બાદ દર્દીની સ્થિતિમાં ધીમે ધીમે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. દર્દીનું બ્લડ પ્રેશર સ્થિર થતાં તેને આપવામાં આવતા બ્લડ પ્રેશર વધારવાના ઇન્જેક્શન બંધ કરવામાં આવ્યા. ફેફસાંની સ્થિતિમાં પણ સુધારો થતાં દર્દીને આપવામાં આવતો વેન્ટિલેટર સપોર્ટ તબક્કાવાર દૂર કરવામાં આવ્યો.

દર્દીની લાંબા સમયની શ્વાસોચ્છવાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવી હતી, જેમાં ગળામાં નાનું કાણું કરી શ્વાસ માટે ટ્યુબ મૂકવામાં આવી હતી. હાલમાં આ ટ્યુબ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી છે અને દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર થયા બાદ યોગ્ય સમયે તેને પણ દૂર કરવામાં આવશે.

આજે દર્દી પોતાની જાતે શ્વાસ લઈ રહ્યા છે, વેન્ટિલેટર સપોર્ટની જરૂર નથી તેમજ તેઓ ચાલી-ફરી પણ શકે છે. જે દર્દી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં અને સંપૂર્ણ વેન્ટિલેટર સપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, તેઓ દોઢ મહિના જેટલી સઘન સારવાર બાદ સ્વયં શ્વાસ લઈ શકતા થયા છે, જે દર્દી અને તેમના પરિવારજનો માટે મોટી રાહત અને ખુશીની બાબત બની છે.

આ સમગ્ર સફળ સારવાર સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગના યુનિટ હેડ ડૉ. દીપક શુક્લા, એસોસિયેટ પ્રોફેસર ડો.પ્રફુલ કોઠારી, એ.પી. ડૉ.રાકેશ રાવલ, યુનિટના આર-2 ડો.રોશની તનવાની, ડૉ. ચિરાગ ઠાકોર અને ડો. યશ કોઠારી, તેમજ યુનિટના આર-1 ડૉ.રાજ માલી, ડૉ.મિત ગઢિયા, ડો.અમતુલ ફાતેમા સૈયદ અને ડૉ. રોનિલ મોદી સહિતની તબીબી ટીમના માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

સ્મીમેર હોસ્પિટલના ICUમાં ગંભીર દર્દીઓની સારવાર માટે જરૂરી આધુનિક તબીબી સાધનો, વેન્ટિલેટર સહિતની સઘન સારવારની સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની ટીમના કારણે આ શકય બન્યું છે.

અત્યંત ગંભીર સ્થિતિમાં લાવવામાં આવેલા દર્દીને દોઢ મહિના સુધીની સઘન સારવાર બાદ વેન્ટિલેટરથી મુક્ત કરી સ્વયં શ્વાસ લેવા અને ચાલી-ફરવા સક્ષમ બનાવવાની આ સફળતા સ્મીમેર હોસ્પિટલની સઘન સારવાર વ્યવસ્થા અને તબીબી ટીમની સતત મહેનતનું ઉત્તમ ઉદાહરણ છે.